આઈસીસીએ ટોપ રેન્કિંગની જાહેરાત કરી છે. જેમાં ભારતીય ખેલાડીઓએ ડંકો વગાડ્યો છે. જેમાં બેટ્સમેન કેટેગરીમાં ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી લિસ્ટમાં પ્રથમ ક્રમે અને બોલર્સમાં જશપ્રિત બુમરાહ પ્રથમ ક્રમે રહ્યા છે. કોહલી ૮૯૦ પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે અને ૩૯૦ પોઈન્ટ સાથે રોહિત શર્મા બીજા સ્થાને છે. બોલર્સની યાદીમાં કુલદીપ યાદવ ૭માં સ્થાને અને યજુવેન્દ્ર ચહલ ૮માં ક્રમે એમ કુલ ૩ ભારતીય ખેલાડીઓ ટોપ-૧૦માં રહ્યાં છે.
ભારતીય ટીમ વન-ડે રેન્કિંગમાં ૧૨૦ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ઈંગ્લેન્ડની ટીમ ૧૨૩ પોઈન્ટ સાથે સૌથી આગળ છે. આસ્ટ્રેલિયા સામે ૫-૦થી સીરીઝ ગુમાવનારી પાકિસ્તાનની ટીમ ૯૭ પોઈન્ટ સાથે લિસ્ટમાં છઠ્ઠા ક્રમે છે. છેલ્લા કેટલાક સમયથી ફોર્મની સમસ્યાનો સામનો કરી રહેલો ભારતીય બેટસમેન શિખર ધવન આ વખતે ટોપ-૧૦માંથી બહાર ફેંકાયો છે. ત્રણ ક્રમનાં નુકશાન સાથે લિસ્ટમાં ૧૩માં સ્થાને ધકેલાયો છે. તો વિકેટકિપર અને બેટસમેન મહેન્દ્રસિંહ ધોની પણ ૪ ક્રમનાં નુકશાન સાથે ૨૧માં સ્થાને ધકેલાયો છે. ટોપ ઓલરાઉન્ડરની યાદીમાં કોઈ ભારતીય ખેલાડી સામેલ થઈ શક્યો નથી. આ લિસ્ટમાં અફઘાનિસ્તાનનો રાશિદખાન પ્રથમ ક્રમે છે. તો બાંગ્લાદેશનો શાકિબ અલ હસન બીજા ક્રમે છે. અફઘાનનો ખેલાડી મોહમ્મદ નબીએ તેનું ત્રીજુ સ્થાન જાળવી રાખ્યું છે.