ગાંધીનગરમાં સેકટર-૨૨ રંગમંચ ખાતે રાજયપાલ ઓ.પી.કોહલીની અધ્યક્ષતામાં ૮૪મો ઉડીશા સ્થાપના દિવસ ઉજવાયો. રાજ્યપાલ કોહલીએ ઉડીશા પરિવારોને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, ઉડીશા રાજ્યની સ્થાપના ૧લી એપ્રિલ-૧૯૩૬ના રોજ ભાષા આધારિત થઇ હતી. ત્યારથી આજદીન સુધી ઉડીશા રાજ્ય એ ઇતિહાસ, સંસ્કૃતિ, સાહિત્ય વગેરે ક્ષેત્રોમાં ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
ગુજરાત અને ઉડીશા વચ્ચે ઘણી સમાનતા છે. બન્ને રાજ્યોમાં મેળાઓ અને તહેવારોનું અનોખું મહત્વ છે. બન્ને રાજ્યો લાંબો દરિયા કિનારો અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે. બન્ને રાજ્યની પ્રજા ઉત્સવ પ્રિય છે.
દેશ-વિદેશના લોકો ઉડીશાના ઇતિહાસને સમજે અને જાણે તે માટે ઉડીશાનો ઇતિહાસ વિવિધ ભાષાઓમાં સરળતાથી ઉપલબ્ધ થાય તેવું કાર્ય કરવું જોઇએ. ગુજરાતમાં વસતા ઉડીશી લોકોને તેમણે સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ઉડીશા પરિવારના દીકરા-દીકરીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીની એડવાઇઝરી કમિટિના સભ્ય ડૉ.એસ.કે.નંદા, જસ્ટીસ પી. પી.ભટ્ટ, સ્ટેટ વિજીલન્સ કમિશનર એચ. કે. દાસ, ગાંધીનગર ઉડીયા સમાજના પ્રમુખ એસ.કે.મિશ્રા તથા જનરલ સેક્રેટરી સાહુ સહિત સમાજના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.