મહેસાણા દૂધ સાગર ડેરીને મિલ્ક ફેડરેશન દ્વારા ચૂકવવાના થતા નાણાં સમયસરના ચૂકવાતા દૂધ સાગર ડેરીના સંચાલકોએ ધરણાની ચીમકી ઉચ્ચારી છે. મહેસાણા દૂધ સાગર ડેરી અને ફેડરેશન વચ્ચે સતત ખેંચતાણ જોવા મળતી રહી છે. ત્યારે આજે વધુ એક ચીમકી દૂધ સાગર ડેરીએ મિલ્ક ફેડરેશન સામે ઉચ્ચારી છે.
મહેસાણા દૂધ સાગર ડેરી પાસેથી રોજનું મિલ્ક ફેડરેશન અંદાજે ૧૦ કરોડના દૂધની ખરીદી કરે છે. જેની સામે માત્ર ૨ કરોડ જેટલું જ ફેડરેશન ચુકવણું કરે છે. જે નો ૧/૪/૨૦૧૯ સુધી ૩૪૭ કરોડ ફેડરેશન પાસે લેવાના નીકળે છે. આ પરિસ્થિતિમાં ફેડરેશન પાસેથી લેવાના નીકળતા નાણાં ને લીધે પશુપાલકોને પગાર ચૂકવવામાં તકલીફનો સામનો ડેરી ના સંચાલકો અનુભવી રહ્યા છે. અને આથી મહેસાણા દૂધ સાગર ડેરીને દર વર્ષે ૩૫થી ૪૦ કરોડનું વ્યાજનું ભારણ પણ ભોગવવાનો વારો આવ્યો છે.
આમ આ પરિસ્થિતિમાં દૂધ સાગર ડેરીના વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરીએ મિલ્ક ફેડરેશનને ચીમકી ઉચ્ચારી છે કે ૩થી ૪ દિવસમાં જો યોગ્ય નિકાલ નહિ આવે તો પશુપાલકો અને ડેરીના સંચાલકો સાથે ફેડરેશન સામે ધરણા કરવામાં આવશે.