વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગુજરાતની રાજકીય સ્થિતિ છોડી અત્યારે બિહારમાં કનૈયાકુમારને જીતાડવા પ્રચાર કરી રહ્યા છે. જેમાં બેગુસરાય બેઠકનાં વિસ્તારમાં જીગ્નેશ મેવાણી સાથે મારપીટ કરતો વીડિયો વાયરલ થયો છે. આ ફેક વીડિયો અંગે જીગ્નેશ મેવાણીએ પોતાની પ્રતિક્રિયામાં ભાજપ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં ભાજપની એટલી ધોલાઈ કરવામાં આવી છે કે, ભાજપ પોતાની હાલત ભૂલીને બીજાની પ્રતિભા બગાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. મેવાણીએ વધુમાં કહ્યું કે, ગુજરાતમાં જ્યારે બિહારીઓ સાથે મારપીટ કરવામાં આવી રહી હતી ત્યારે ચોકીદાર ક્યાં હતા. કોંગ્રેસનાં સમર્થનથી અપક્ષ ચૂંટાયેલા વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેંવાણી અત્યારે બિહારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. બેગુસરાયની પ્રતિષ્ઠાભરી બેઠકમાં ડાબેરી પક્ષનાં ઉમેદવાર અને જેએનયુનાં વિદ્યાર્થી આગેવાન કન્હૈયા કુમારને જીતાડવા માટે જીગ્નેશ મેંવાણી સભાઓ કરી રહ્યા છે. જીગ્નેશે તેની સાથે મારપીટના વાયરલ થયેલાં વીડિયો અંગે કહ્યું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં ભાજપની એટલી ધોલાઈ થઈ છે કે તે પોતાની હાલત ભૂલવા બીજાની પ્રતિભા બગાડવાનો પ્રયાસ કરે છે.
જીગ્નેશ મેવાણી એ ભાજપના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ સામે પ્રહારો કરતા કહ્યું કે, કરોડો રૂપિયામાં રમતાં ગિરિરાજસિંહ હારવાના ડરથી એલફેલ બોલે છે. ગુજરાતમાં બિહારીઓ પર થયેલા હુમલા અંગે જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, ત્યારે ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની જ સરકાર હતી. તો તે વખતે ગિરિરાજસિંહ અને ચોકીદાર ક્યાં હતા. મેવાણીએ કન્હૈયા કુમારને જીતાડવાની અપીલ કરતા જણાવ્યું કે, અમે ફ્રન્ટફૂટ પર રમીને સિક્સર મારનારા છીએ. જેમાં આ બેઠક પરથી પણ છક્કો ફટકરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, કનૈયા કુમાર એક આંગણવાડી સેવિકાનો દીકરો છે. તેના વિજયથી ગરીબો અને કચડાંયેલા લોકોનો અવાજ બુલંદ બનશે.