ગાંધીનગર જિલ્લાના ગામે ગામ આવેલી સરકારી પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારની ગાઇડ લાઇન પ્રમાણે ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને જિલ્લાની ૬૨૪ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરી દેવામાં આવ્યો છે. તો બીજી બાજુ આગામી તા.૮મીથી શરૃ થતી પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓ હેરાન ન થાય તે માટે ખાસ કાળજી લેવા માટે શિક્ષકોને સૂચના અપાઇ છે.
ઉનાળાની આકરી ગરમીનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પહોંચી ગયો છે. તેવી સ્થિતિમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શિક્ષણ તંત્રની ગાઇડલાઇન પ્રમાણે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે.
ગાંધીનગર જિલ્લાની તમામ પ્રાથમિક શાળા જેનો સમય બપોરનો હતો તેમાં ફેરફાર કરીને દરેક શાળા સવારે જ શરૃ થાય તે માટે ઓર્ડર કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લાની ૬૨૪ જેટલી સરકારી પ્રાથમિક શાળા કે જે બપોરની હતી તે હવે સવારે ૭ વાગે શરૃ થશે અને ૧૧.૩૦ સુધી ચાલશે.
આ ઉપરાંત તા.૮મી એપ્રિલથી શરૃ થતી પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે ખાસ કાળજી લેવા શિક્ષકોને સૂચન કરવામાં આવ્યું છે. જો કોઇ શાળા દ્વારા સમયમાં ફેરફાર કરવામાં આવે તો તે અંગે જિલ્લાકક્ષાએ જાણ કરવા પણ સૂચના અપાઇ છે.