ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો પર ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરવાની પ્રક્રિયા જારી રહી છે. આજે મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા વધુ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા બેઠક પરથી રાજેન્દ્ર ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે જ્યારે ખેડા બેઠક પરથી બિમલ શાહને ટિકિટ આપવામાં આવી છે. ભાવનગર બેઠક પરથી મનહર પટેલ ચૂંટણી મેદાનમાં ઉતરશે. સુરત બેઠક પરથી અશોક અધેવાડાને ટિકિટ આપવામાં આવી છે જ્યારે બનાસકાંઠા બેઠક પરથી પરથી ભટોળને ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલી બેઠક બાદ ગુજરાતના કોંગ્રેસના વધુ છ ઉમેદવારના નામ જાહેર કરાયા હતા. પરેશ ધાનાણી પહેલાથી જ નક્કી હતા પરંતુ આજે તેમના નામની સત્તાવાર જાહેરાત થઇ હતી. નવા નામની સાથે જ કોંગ્રેસે હજુ સુધી ૨૪ ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. બે બેઠકોને લઇને હજુ પણ દુવિધા છે. આજે મોડી સાંજે દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડના નેજા હેઠળ કોંગ્રેસના રાષ્ટ્રીય દિગ્ગજ નેતાઓની બેઠકમાં લોકસભા ચૂંટણીને લઇ કોંગ્રેસના વધુ કેટલાક ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતની લોકસભા બેઠકો માટે કોંગ્રેસ તરફથી વધુ ૬ ઉમેદવારોના નામો જાહેર કરાયા હતા. ગાંધીનગર બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહની સામે કોંગ્રેસ દ્વારા પહેલેથી અપેક્ષા મુજબ, અનુભવી સી.જે.ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે તો, અમરેલીથી વિપક્ષના નેતા એવા કોંગ્રેસના યુવા નેતા પરેશ ધાનાણીને ટિકિટ આપ્યા બાદ ધાનાણીએ આજે ઉમેદવારીપત્ર દાખલ કર્યા હતા. અત્યારસુધીમાં કોંગ્રેસ દ્વારા આજના ૬ મળી કુલ ૨૪ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવાઇ છે અને હવે બે ઉમેદવારોના નામ બાકી રહ્યા છે, જેની જાહેરાત કલાકોના ગાળામાં જ કરવામાં આવી શકે છે. ગુજરાતના વધુ ૬ ઉમેદવારોના નામો જાહેર થતાં કોંગ્રેસમાં ભારે ચર્ચા અને ઉત્તેજનાનો માહોલ છવાયો હતો. ઉલ્લેખનીય છે કે, તા.૪થી એપ્રિલ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ હોઇ કોંગ્રેસ ઉમેદવારોની સત્તાવાર ઘોષણા હવે કલાકોના ગાળામાં જ કરવી પડશે. ભાજપના પણ કેટલાક નામ બાકી છે.