હાઈપ્રોફાઇલ બની ગયેલી કેરળની વાયનાડ સીટ પર રાહુલ ગાંધી ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા બાદ આને લઇને જોરદાર રાજકીય ગરમી વધી ગઇ છે. વાયનાડ સંસદીય ક્ષેત્રમાં મુસ્લિમ મતદારોની સંખ્યા સૌથી વધારે છે. આવી સ્થિતીમાં કોંગ્રેસ માટે આ સુરક્ષિત સીટ દેખાઇ રહી છે. યુડીએફની બીજી સૌથી મોટી ભાગીદાર ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ આ ક્ષેત્રમાં સારા પ્રભાવમાં છે. વાયનાડ જિલ્લામાં હિન્દુ વસ્તી ૪૯.૭ ટકાની આસપાસ છે. જ્યારે ખ્રિસ્તી અને મુસ્લિમ સમુદાયના લોકોક્રમશ ૨૧.૫ અન ૨૮.૮ ટકાની આસપાસ છે. જો કે મલપ્પુરમમાં ૭૦.૪ ટકા મુસ્લિમ વસ્તી છે. અહીં ૨૭.૫ ટકા હિન્દુ વસ્તી છે. બે ટકા ખ્રિસ્તી સમુદાયના લોકો છે. વાયનાડ લોકસભા ક્ષેત્રમાં કુલ સવા ૧૩ લાખ વોટરો પૈકી ૫૬ ટકા વોટર તો મુસ્લિમ છે. કોંગ્રેસને આશા છે કે અહીંથી રાહુલ ગાંધીને ઉતારી દેવામાં આવ્યા બાદ પાર્ટીની સ્થિતી વધારે મજબુત થશે. તેમને લઘુમતિ સમુદાયના એકતરફી મત મળનાર છે. મુસ્લિમ સમુદાયના લોકો રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન તરીકે જોવા માટે ઉત્સુક છે. કેરળમાં ભાજપના સાથી પક્ષ ભારત ધર્મ જનસેનાના અધ્યક્ષ આ બેઠક પરથી રાહુલ ગાંધીની સામે મેદાનમાં ઉતરી રહ્યા છે.વાયનાડથી લોકસભા ચૂંટણી લડવાના રાહુલના નિર્ણય બાદ આને લઇને રાજકીય ગણતરીનો દોર શરૂ થઇ ગયો છે. ઉત્તરીય કેરળમાં સ્થિત વાયનાડ સીટ કોંગ્રેસ માટે ગઢ સમાન છે. ૨૦૦૯માં ચૂંટણી પહેલા સીમાંકનના પરિણામ સ્વરુપે બનેલી આ સીટમાં પ્રથમ ચૂંટણીમાં એમઆઈ સાનાવાસે ૧.૫૩ લાખ મતેથી જીત મેળવી હતી. ૨૦૧૪માં પણ તેઓ ફરી જીત્યા હતા પરંતુ જીત માટેનું અંતર ૨૦ હજાર રહ્યું હતું. વાયનાડ સંસદીય ક્ષેત્રમાં વાયનાડ અને મલપ્પુરમની ત્રણ-ત્રણ વિધાનસભા સીટો અને કોઝીકોડેની એક વિધાનસભા ક્ષેત્રમાં મુસ્લિમ લીગ એક મોટી તાકાત તરીકે છે. ગાંધી પરિવાર દક્ષિણ ભારતમાંથી ચૂંટણી લડવાનો ઇતિહાસ ધરાવે છે.
૧૯૭૮માં ઇન્દિરા ગાંધીએ કર્ણાટકના ચીખમંગલુર પેટાચૂંટણીમાં જીત હાંસલ કરીને વાપસીનો સંકેત આપ્યો હતો. જ્યારે ઇન્દિરા ગાંધી ૧૯૮૦માં કોંગ્રેસને ફરીવખત સત્તામાં લાવવામાં સફળ થયા હતા ત્યારે આંધ્રપ્રદેશના મેઢક અને ઉત્તરપ્રદેશમાં રાયબરેલીની સીટો જીતી લીધી હતી. ૧૯૯૯ની ચૂંટણીમાં સોનિયા ગાંધીએ કર્ણાટકમાં બેલ્લારીમાં ભાજપના સુષ્મા સ્વરાજને હરાવવાની સાથે સાથે અમેઠીની સીટ પણ જીતી હતી. જો કે, સોનિયા ગાંધીએ મોડેથી બેલ્લારી સટ પરથી રાજીનામુ આપી દીધું હતું.