ગાંધીનગર આરટીઓમાં શનિવારે વાહન ધારકોએ હોબાળો મચાવી દીધો હતો. જુની નંબર પ્લેટ બદલીને એચએર આરપી નવી પ્લેટ ફીટ કરાવવા માટે વાહનમાલિકો આવ્યા હતા. પરંતુ આરટીઓ તંત્ર દ્વારા માત્ર એક જ કર્મચારીને ફરજમાં મુકતાં સવારથી જ લાઈનમાં ઉભા રહેલા લોકો કંટાળી ગયા હતા. છેવટે હંગામો કરી મુક્યો હતો અને આરટીઓ કચેરીને માથે લીધી હતી. ગત વખતે કેમ્પમાં પાંચથી છ બારીઓ ઓપન રાખી હતી જ્યારે આજે માત્ર રૂટિન મુજબ એક જ બારી ખુલ્લી રાખી હતી. આરટીઓ દ્વારા જૂની નંબર પ્લેટને બદલવા માટે આજ અને આવતીકાલ બે દિવસનો કેમ્પ રાખ્યો છે. તેમાં આજે પ્રથમ દિવસે જ આ હોબાળો મચ્યો હતો. જેમાં આરટીઓ તંત્રની અણઘડ કામગીરી ખુલ્લી પડી હતી.
વાહન વ્યવહાર વિભાગના આદેશ મુજબ જુની નંબર પ્લેટ ધરાવતા વાહન ચાલકોને હાઇ સિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવા માટે ૧૫મી ફેબ્રુઆરી સુધીની મુદત આપવામાં આવી છે. નવી નંબર પ્લેટ લગાવવા માટે વાહન માલિકોએ આરટીઓમાંથી એપોઇનમેન્ટ લેવી પડે છે. આ એપોઇનમેન્ટની ઝંઝટમાંથી વાહન માલિકોને છુટકારો મળી શકે એ માટે ગાંધીનગર આરટીઓ તંત્ર દ્વારા બે દિવસીય કેમ્પનું આયોજન કર્યું છે. જેમાં આજે સવારથી હાઇ સિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ ફીટ કરાવવા માટે વાહન ધારકોની લાંબી લાઇન લાગી હતી.
આરટીઓ તંત્ર દ્વારા ગત શનિ અને રવિવારે યોજાયેલ કેમ્પમાં કચેરીના તમામ કામકાજ બંધ રાખી માત્ર તમામ સ્ટાફને એચઆરપીએસ નંબર પ્લેટના કેમ્પમાં જોતરી દેવામાં આવ્યો હતો. પરંતુ આજે યોજાયેલ કેમ્પમાં માત્ર એક કર્મચારીને જ હાઇ સિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ ફીટ કરવાની કામગીરીમાં મુકતાં વાહન ધારકોએ લાંબી લાઇનથી કંટાળીને અંતે કચેરીમાં હોબાળો મચાવ્યો હતો.