લુશાળા ગામમાં વધુ એક ખેડૂતે આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. ૫૦ વર્ષિય ખેડૂત દિલીપ ટાટમિયાએ આર્થિક સંકડામણને કારણે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યાનું સામે આવ્યું છે. હાલ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે જૂનાગઢનાં લુશાળા ગામમાં ખેડૂત દિલીપ ટાટમિયા પાસે ખેતીનાં પૈસા ન હોવાને કારણે તેમણે આપઘાત કર્યો છે. પરિવાર પાસેથી મળતી માહિતી પ્રમાણે ઘરમાં આર્થિક સંકડામણ હતી. તેમની પાસે બિયારણનાં પણ પૈસા ન હતા જેના કારણે તેમણે આ આખરી પગલુ ભર્યું છે. આખા પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
હાલ પોલીસે ખેડૂતનો મૃતદેહ વંથલી પીએમ માટે ખસેડ્યો છે. પરિવાર અને આસપાસનાં લોકોની પૂછપરછ કરીને ચોક્કસ માહિતી મેળવી રહ્યાં છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ઘરી છે.
થોડા સમય પહેલા પણ જૂનાગઢના વંથલી તાલુકામાં આખા નામના ગામમાં એક ખેડૂતે આપઘાત કરી લીધો હતો. માહિતી અનુસાર ખેડૂતનો કપાસનો પાક નિષ્ફળ જતાં તેણે ઝેરી દવા પી લીધી હતી. પરિવારને જાણ થતાં તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ ડોક્ટર તેમને બચાવી શક્યા ન હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર આ વર્ષે ઓછો વરસાદ પડવાને કારણે તેમના ખેતરમાં વાવેલ કપાસનો પાક નિષ્ફળ ગયો હતો. ઘરમાં અન્ય કોઈ વાદ-વિવાદ ન હોવાથી આત્મહત્યાનુ કારણ પાક નિષ્ફળતા જ હોઈ શકે.