ભાવનગર શહેર મધ્યે આવેલ રાજાશાહીકાળના ગંગાજળીયા તળાવનું નવીનીકરણ કરી આ સ્થળને પીકનીક પોઈન્ટ તરીકે વિકસાવવાનું ભગીરથ બીડુ મહાપાલિકા દ્વારા ઉપાડવામાં આવ્યું છે. આ તળાવની કાયાપલટ કરી અમદાવાદના પ્રસિધ્ધ તળાવ કાંકરીયા જેવું બનાવવામાં આવશે.
ભાવનગર શહેરની વચ્ચોવચ આવેલું નાનુ સરખુ જળાશય તથા તેના કાંઠે ભાવેણાના રાજવી દ્વારા બનાવવામાં આવેલ ગંગાદેરી આજે પણ મીની તાજમહેલ તરીકે પ્રસિધ્ધ છે. ગંગાજળીયા તળાવમાં જ્યારે છલોછલ પાણી ભરેલું હોય ત્યારે નજારો મનમોહક હોય છે. એક તરફ મહિલાબાગ, મોતીબાગ અને પીલગાર્ડનમાં વર્ષોથી ઉભેલા ઘેઘુર વૃક્ષો વચ્ચે ગંગાજળીયા તળાવની ભવ્યતા ખૂબ સુંદર લાગે છે. આ તળાવ વર્ષોથી એક જ સ્થિતિમાં છે. તળાવની રખરખાવટ-જાળવણીની જવાબદારી ભાવનગર મહાપાલિકાના શીરે હોય આથી તંત્ર આ તળાવ પાણીથી ભરેલું રહે તે માટે કટીબધ્ધ છે. આ જળાશયમાં પાણી ભરેલ હોય ત્યારે ભુગર્ભ જળસ્તર પણ ઉંચા રહે છે અને કુદરતી પર્યાવરણ માટે બહુ ઉપયોગી સિધ્ધ થાય છે. પરંતુ ઘણા વર્ષોથી આ જાજરમાન ઘરેણું જીર્ણ-ક્ષીર્ણ અવસ્થામાં હોય અને શહેરની બરાબર વચ્ચે આવેલું હોય આથી આ તળાવ પીકનીક પોઈન્ટ બને લોકો માટે હરવા-ફરવા માટેનું સુંદર સ્થળ બને તેવી લોકમાંગ પ્રબળ બની હતી જેને લઈને તંત્ર દ્વારા ગંગાજળીયા તળાવને અમદાવાદના કાંકરીયા તળાવ જેવું બનાવવાનો નિર્ધાર કર્યો છે. જેને લઈને પ્રથમ ચરણની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જેમાં સૌપ્રથમ તળાવમાં રહેલ માછલી, કાચબા સહિતના જળચર જીવોને બોરતળાવમાં ટ્રાન્સફર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ બીજા ચરણમાં પાણીનો નિકાલ કરી પાણી સુકાઈ ગયા બાદ આ તળાવને ઉંડુ ઉતારવા સાથે તળાવ ફરતે દિવાલ બનાવવામાં આવશે અને આસપાસની પડતર જમીન પણ સમાવી લેવામાં આવશે. એ સાથે સુંદર વોક-વે બનાવી તળાવ ફરતે વૃક્ષો વાવી તેનો ઉછેર કરવામાં આવશે અને અંતમાં તળાવને મહિના નીરથી છલોછલભરી આકર્ષક લાઈટીંગ ફૂવારા સહિતની ડેકોરેટ કરવામાં આવનાર હોવાનું બીએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું. ગંગાજળીયા તળાવ સાથોસાથ ઐતિહાસિક ગંગાદેરીનું પણ રીનોવેશન કરી આસપાસની જમીન પર ગાર્ડન બનાવી મુલાકાતીઓ માટે બેઠક સાથોસાથ બાળકો માટે લપસણી, હિંચકા, ટ્રેન સહિતના આકર્ષણો ઉપરાંત ફૂડ ઝોન પણ ઉભા કરવામાં આવશે. આમ લાંબા સમયથી અણઉકેલ લોકમાંગ સંતોષાશે અને ભાવેણાવાસીઓને એક નવલુ નઝરાણું પ્રાપ્ત થશે.