સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાનીમાં દરેક પબ્લિક સેક્ટર બેંકોએ પોતાને જેટ એરવેઝની સમસ્યાનું સમાધાન કરવા માટે ૧૮૦ દિવસનો સમય આપ્યો છે. નાણા મંત્રાલયના સૂત્રો મુજબ વિવિધ બેંકોએ મંત્રાલયને જણાવી દીધું છે કે, ‘તેઓ હવે જેટ એરવેઝ એરલાઈન્સના દેવાની ચૂકવણી માટે વધુ સમય સુધી રાહ જોઈ શકે તેમ નથી.’ જો એરલાઈન્સ કોઈ રોકાણકારને લાવવામાં સફળ નહીં રહે તો બેંક ૩૦ જૂન બાદ જેટ એરવેઝને દેવાળીયા જાહેર કરવાની કાર્યવાહી શરૂ કરી દેશે. જેટ એરવેઝને આ સમસ્યામાંથી બહાર લાવવા ઘણા પગલા લેવાયા છે. પંજાબ નેશનલ બેંક અને સ્ટેટ બેંકે અગાઉથી જ એરલાઈન્સને ૧૫૦૦ કરોડ રૂપિયાની વધારાની રકમ આપેલી છે. હવે એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે એરલાઇન્સને રોકાણકાર મળી રહે અને જો આમ નહીં થાય તો બેંકો વધુ રાહ જોશે નહીં અને આ મામલાને નેશનલ કંપની લૉ ટ્રિબન્યુનલ પાસે મોકલી દેશે. જેટ એરવેઝે પોતાની પહેલી ચૂકવણી ૩૧મી ડિસેમ્બરે કરવાની હતી પરંતુ હવે ૧૮૦ દિવસની મહેતલ બાદ આ તારીખ ૩૦ જૂન થઈ ગઈ છે.