જેની ઉત્સુકતાપૂર્વક પતંગબાજો રાહ જોઈ રહ્યા હતા તે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની આજે પરંપરાગતરીતે શરૂઆત થઇ હતી. આ વખતે સાતમી જાન્યુઆરીના દિવસે આની શરૂઆત થયા બાદ ૧૪મી જાન્યુઆરી સુધી ચાલશે. ૧૪મી જાન્યુઆરી સુધી ચાલનાર આ પતંગ ઉત્સવમાં જુદા જુદા દેશોના પતંગબાજો પણ ભાગ લઇ રહ્યા છે. રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પતંગ ઉત્સવની રંગારંગ કાર્યક્રમ વચ્ચે શરૂઆત કરાવી હતી. ૪૪ દેશોના ૧૫૦ પતંગબાજો આમા ભાગ લઇ રહ્યા છે. રાજ્યપાલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, પતંગ મનુષ્યને આગળ વધવાની સાથે સાથે નવી ઉંચાઈઓ અને પ્રગતિ સર કરવાનો સંદેશ આપે છે. ઉત્તરાયણનું પર્વ પતંગ ઉત્સવ સામાજિક સમરસતા અને એકતાનું સમાજ પર્વ બન્યું છે તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, નવરાત્રિ અને પતંગ ઉત્સવે ગુજરાતની વૈશ્વિક
ઓળખ ઉભી કરી છે. રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ કહ્યું હતું કે, પતંગ ઉત્સવ સ્વચ્છ પ્રતિસ્પર્ધાની ઉર્જાનું સંચાર કરે છે. એકતા ધરાવતા આપણા સમાજમાં સૌ સાથે મળીને વિકાસ માટે આપણા ઉત્સવો મહત્વપૂર્ણ બની રહ્યા છે. રાજ્યપાલે એમ પણ કહ્યું હતું કે, ઉત્તરાયણનો આ ઉત્સવ પતંગ, દોરી, સૂર્ય, પવનની જેમ એકમેક થઇને સાથે મળીને સૌને આગળ પતંગની જેમ નવી ઉંચાઈ આંબવાની પ્રેરણા આપે છે. રાજ્યપાલે ઉત્તરાયણ પર્વ અને ૨૦૧૮ના નૂતન વર્ષની શુભેચ્છા પણ પાઠવી હતી. રૂપાણીએ પણ આ પ્રસંગે પોતાનું સંબોધન કર્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૨૮માં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની શરૂઆત થઇ હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ઉત્તરાયણ ગુજરાતની ઓળખ બની ચુકી છે. પર્વ અને ઉત્સવોની ઉજવણીથી ગુજરાતને ધબકતુ રાખવાનો વિચાર વર્તમાન વડાપ્રધાન મોદીની દીર્ધદ્રષ્ટિનો પરિપાક છે. રૂપાણીએ પતંગ ઉત્સવને લઇને નિર્દોષ પંખિયોને કોઇ હાની ન પહોંચે તે માટે પણ અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ મકરસંક્રાંતિથી ઉત્તર તરફનું સૂર્ય પ્રયાણ સૂર્યની ઉર્ધ્વગતિ ગુજરાત અને સૌ ગુજરાતીઓ માટે સૌનો સાથ સૌનો વિકાસ અવસર બને તેવી શુભેચ્છા પાઠવી હતી. બીજી બાજુ પ્રવાસન મંત્રી ગણપત વસાવાએ સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે, પ્રવાસન વિભાગ દ્વારા સાતમી જાન્યુઆરીથી ૧૪મી જાન્યુઆરી સુધી રાજ્યના વિવિધ શહેરોમાં પતંગ મહોત્સવ ઉજવાશે. ૧૮ રાજ્યોના ૨૦૦થી વધુ પતંગબાજો ભાગ લઇ રહ્યા છે. ગુજરાતના ૩૦૦ પતંગબાજો જોડાયા છે. પતંગ ઉત્સવથી ૨.૮૨ લાખ લોકોને રોજગારી મળી રહી છે. રૂપિયા ૫૭૨ કરોડનું ટર્નઓવર આ પતંગ ઉત્સવથી થવા જઇ રહ્યું છે. પતંગ ઉત્સવના અવસરે તમામ વરિષ્ઠ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
Home Uncategorized ઉત્તરાયણ સુધી ચાલશે : રાજ્યપાલ, મુખ્યમંત્રીના હસ્તે આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરાયું