ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરના સાંસદ અને આગામી લોકસભા ચૂંટણીમાં પીલીભીતથી બીજેપીના ઉમેદવાર વરુણ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ વખાણ કર્યા. વરુણ ગાંધીએ કહ્યું કે, મારા પરિવારમાં પણ કેટલાક લોકો પીએમ રહ્યા છે, પરંતુ જે સન્માન મોદીએ દેશને અપાવ્યું છે, તે ઘણા લાંબા સમયથી કોઈએ દેશને નથી અપાવ્યું. પીલીભીતમાં એક ચૂંટણી જનસભાને સંબોધિત કરતાં વરુણ ગાંધીએ વડાપ્રધાન મોદીના વખાણના પુલ બાંધ્યા. તેઓએ કહ્યું કે, તેઓ માત્ર દેશ માટે જીવી રહ્યા છે અને તેઓ મરશે પણ દેશ માટે તેમને માત્ર દેશની ચિંતા છે. વરૂણ ગાંધી પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના પૌત્ર છે. વરુણના પિતા સંજય ગાંધી એક સમયે કોંગ્રેસમાં નંબર બેનું પદ ધરાવતા હતા.
પરંતુ તેમનું આકસ્મિક મૃત્યુ થયા બાદ રાજીવ ગાંધી રાજકારણમાં આવ્યા અને આગળ જતાં દેશના વડાપ્રધાન બન્યા.
૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં સુલ્તાનપુર સીટથી જીત નોંધાવનારા વરુણ ગાંધીને પાર્ટીએ આ વખતે પીલીભીતથી ટિકિટ આપી છે. વરુણની માતા અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી પીલીભીતને બદલે સુલ્તાનપુરથી ચૂંટણી મેદાનમાં છે.