વધુ એક નવુ ભુત ધુણતા ભાજ૫ની મૂશ્કેલીમાં વધારો : સી.કે.રાઉલજી અને રામસિંહ ૫રમાર શુભેચ્છા આ૫વાના બહાને મુખ્યમંત્રીને મળ્યા પાટીદાર પાવર સામે ઝૂકીને ભાજપ હાઇકમાન્ડે નીતિન પટેલને નાણા ખાતુ આપવા મજબૂર થવુ પડયુ હતું. હવે ભાજપના અન્ય ધારાસભ્યો ૫ણ સમાજ અને સમર્થકોના નામે મંત્રીપદ મેળવવા મેદાનમાં આવવા માંડ્યા છે.
રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ છોડીને કેસરિયો ખેસ ધારણ કરનારાં આયાતી ધારાસભ્યોએ હવે મંત્રીપદ આપવા માંગ કરી છે. આ બાબતે સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર ધારાસભ્ય સી.કે.રાઉલજી અને ચૂંટણી હારી ગયેલા રામસિંહ પરમાર શુભેચ્છા આપવાના બહાને મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા હતાં. તેમની સાથે વિપુલ ચૌધરી ૫ણ હતાં. મુખ્યમંત્રી સમક્ષ એવી રજૂઆત થઇ કે, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલાં ૧૪ પૈકી ૧૨ આગેવાનો વિધાનસભાની ચૂંટણી હારી ગયા છે. ફક્ત બે ધારાસભ્યો ચૂંટણી જીતી શક્યા છે. માટે વિજેતા બનેલા ધારાસભ્યોને મંત્રીપદ આપવુ જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ છોડીને આવેલાં સી.કે.રાઉલજી અને ધર્મેન્દ્રસિંહ જાડેજા જ ચૂંટણી જીત્યા છે. હવે આયાતી ધારાસભ્યોને ૫ણ મંત્રીમંડળમાં સ્થાન જોઇએ છે. ભાજપમાં ત્રણ-ચાર ટર્મથી જીતનારા ધારાસભ્યોને મંત્રી બનાવાયાં નથી. તેની તો અંદરખાને નારાજગી છે, ત્યાં આ ફરી નવુ ભૂત ધુણ્યુ છે. જેને લઇને ભાજપની મુશ્કેલી વધી છે. વિધાનસભામાં ફક્ત ૯૯ બેઠક સાથે વિજેતા બનેલા ભાજ૫ની સ્થિતિ કફોડી બની છે. પાતળી બહુમતીના કારણે શરૂઆતથી જ અનેક માગણી અને અપેક્ષા સામે આવવા માંડી છે. ત્યારે આગામી સમયમાં સરકારની હાલત કેવી થશે ? તેના ઉ૫ર રાજકીય વિશ્લેષકોની મીટ મંડાઇ છે.