ઈંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડ કપ માટે બીસીસીઆઈ ૧૫ એપ્રિલે ભારતીય ટીમની જાહેરાત કરશે. જોકે, આ વચ્ચે ટીમ ઈન્ડિયા માટે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. ટીમના ઓપનર અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા આઈપીએલ મેચ માટે પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો છે. તે મેદાન પર પોતાનો પગ પકડીને ટેકો લઈને ચાલતો જોવા મળ્યો છે. વાનખેડે મેદાન પર પ્રેક્ટિસ સેશન દરમિયાન રોહિત શર્મા રનિંગ કરતા અચાનક પોતાનો પગ પકડીને ઊભો થઈ ગયો. કેટલાક ડગલાં ચાલ્યા બાદ તે જમીન પર સૂઈ ગયો.
મુંબઈના ફિજિયો નિતિન પટેલ રોહિતની મદદ કરવા માટે તરત જ મેદાન પર દોડી ગયા. મેદાન પર પ્રાથમિક સારવાર બાદ તેઓ રોહિતને મેદાનની બહાર લઈ ગયા. રોહિત શર્મા ડ્રેસિંગ રૂમ સુધી ટેકા વગર ચાલ્યો. જોકે, અત્યાર સુધી રોહિત શર્માની ઈજા પર ટીમે કોઈ નિવેદન જાહેર નથી કર્યું. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ અને ભારતીય ટીમના મહત્વપૂર્ણ બોલર જસપ્રીત બુમરાહ પણ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. વર્લ્ડ કપને જોતાં આ વખતે ભારતીય ટીમના ફિજિયો પેટ્રિકને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ તેની સારવાર થઈ અને તે ફીટ થઈને મેદાન પર પરત ફર્યો.