મંદિરમાં ચોરી કરતાં બે ચોરને પૂજારીએ રંગેહાથ ઝડપી લીધા

685

ગાંધીનગર શહેર નજીક પાલજ ગામે આવેલા નાગણેશ્વરી માતાજીના મંદિરમાં આજે બપોરના સમયે બે ચોર યુવાનો ઘુસ્યા હતા અને માતાજીના નાના મોટા મુગટ ચોરી રહયા હતા. આ જ સમયે પૂજારી ત્યાં પહોંચી જતાં આ બન્ને યુવાનોને ચોરી કરતાં રંગેહાથ ઝડપી લીધા હતા અને ચિલોડા પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે પૂજારીની ફરિયાદના આધારે બન્ને ચોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરને અડીને આવેલા પાલજ ગામમાં નાગણેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. આજે સવારે સાડા દસ વાગ્યાના સુમારે બે યુવાનો મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
લાંબા સમય સુધી મંદીરમાં રોકાતા પૂજારી કિરણભાઈ બળદેવજી ઠાકોરને તેમની પ્રવૃતિ શંકાસ્પદ લાગી હતી. જેથી મંદિરમાં જઈને જોતાં આ બન્ને શખ્સો તેમના ખિસ્સામાં માતાજીના છત્ર મુકી રહયા હતા. જેથી બંને ઝડપી પાડયા હતા અને ગામના અન્ય લોકોને ત્યાં બોલાવી લીધા હતા.
૮૫ હજારની કિંમતના આ છત્ર સાથે બન્ને યુવકોને ઝડપી ચિલોડા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ આ બન્ને યુવાનોને લઈ ગઈ હતી અને પુછપરછમાં બાપુનગરમાં રહેતા અતુલ પ્રવિણભાઈ સોની અને ભુપત જીવરાજભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પુજારીની ફરિયાદના આધારે પોલીસે આ બન્ને શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ યુવાનો મંદિરમાં કેવી રીતે આવ્યા હતા અને અગાઉ પણ કોઈ ચોરીમાં સંડોવાયેલા છે કે નહીં તે જાણવા પોલીસે મથામણ શરૂ કરી છે.

Previous articleએક પુરૂષ બાદ બે મહિલાને મતદાન કરવા જવા દેવાશે
Next articleગાંધીનગર ચૌધરી સમાજ દ્વારા એક હજાર પક્ષી પરબનું વિતરણ