ગાંધીનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ વર્તાય છે તેમજ હજુ આગામી પાંચ દિવસ હિટવેવનો પ્રકોપ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે આ તન દઝાડતી કાળઝાળ ગરમી થી બચવા માટે લોકો અનેક અવનવા અખતરા અજમાવતા થયા છે. જોકે કાળઝાળ ગરમીનો મોસમમાં શરીરનું સંતુલન જાળવતા ઉનાળાની ઔષધ સમા લીંબુની માંગ વધતા લીંબુના ભાવમા રીતસર નો ભડકો થયો છે. લીંબુના આસમાને પહોંચેલા ભાવોને લઇ હાલ બજારોમાં પ્રતિકિલો લીંબુ રૃ.૧૦૦ થી ૧૨૦ ભાવે વેચાઇ રહ્યા છે.બનાસકાંઠામાં ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પારો ૪૦ થી ૪૨ ડિગ્રીએ તપવા માંડતા લીોકો ગરમીના પ્રકોપ થી બચવા માટે ઠંડાપીણાં, કોલડ્રિંગ અને વીજ ઉપકરણોનો સહારો લેતા થયા છે. સાથે ગરમી સામે રક્ષણ મેળવવા લીંબુ રસ,સોડા,સરબતનું શેવન કરતા લીંબુની માંગ વધી છે. ત્યારે એક સમયે રૃ.૫૦ થી ૬૦ના ભાવે વેંચવા લીંબુના ભાવમાં બમણો વધારો થયો છે. પાલનપુરની બજારમાં હાલ લીંબુ છુટકમાં રૃ.૧૦૦ થી ૧૨૦ના ભાવે વેચાઇ રહ્યા છે. જોકે લીંબુની માંગ વધી છે. તેની સામે લીંબુની પૂરતી ઉપજ ન હોવાથી લીંબુના ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જોકે લીંબુ એ ઔષધી સમાન માનવામાં આવે છે. અને લીંબુ રસથી શરીરને અનેક ફાયદા થતા હોય લોકો ગરમીના સમયે લીંબુનો ભરપુર ઉપયોગ કરતા હોય લીંબુની માંગ વધવા પામી છે.