રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર પાટીદાર અનામત આંદોલનના રાજદ્રોહના કેસમાં પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ, ચિરાગ પટેલ અને કેતન પટેલ આજે સેશન્સ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. હાર્દિક પટેલના વકીલ તરફથી એવી મહત્વની રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી કે, હાર્દિક પટેલ દ્વારા ગુજરાતની શાંતિ ડહોળાય તેવા કોઇ નિવેદનો કે ઉશ્કેરણીજનક ભાષણ કરવામાં આવ્યા નથી, જે પ્રકારના આરોપો ફરિયાદમાં લગાવવામાં આવ્યા છે, તેવા કોઇ કૃત્યોમાં હાર્દિકની સંડોવણી નથી. વાસ્તવમાં સમગ્ર કેસમાં હાર્દિક પટેલને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે. સરકારની સત્તા ઉથલાવવાના કે રાજય સામે યુધ્ધે ચડવાના આરોપમાં પણ કોઇ તથ્ય નથી. આરોપીપક્ષની રજૂઆત સાંભળ્યા બાદ કોર્ટે કેસની વધુ સુનાવણી તા.૧૬મી જાન્યુઆરી પર મુકરર કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજદ્રોહના ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ એવા કેસની સુનાવણી આજે સેશન્સ કોર્ટમાં હાથ ધરાઇ હતી, જે દરમ્યાન આરોપી હાર્દિક પટેલ, ચિરાગ પટેલ અને કેતન પટેલ કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહ્યા હતા. આજે કેસની સુનાવણી દરમ્યાન આરોપી હાર્દિક પટેલના વકીલ તરફથી અગત્યની દલીલોનો પ્રારંભ કરાયો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અરજદાર હાર્દિક પટેલ વિરૂધ્ધ રાજદ્રોહનો કેસ કોઇપણ પ્રકારે બનતો નથી કારણે તેને પ્રસ્થાપિત કરતાં કોઇ જ આધાર-પુરાવા કે તથ્યો રેકર્ડ પર નથી. વાસ્તવમાં તપાસનીશ એજન્સી દ્વારા રાજકિય કિન્નાખોરી રાખી હાર્દિક પટેલને સમગ્ર કેસમાં સંડોવી દેવાયો છે. પાટીદાર અનામત આંદોલન દ્વારા હાર્દિક પટેલ દ્વારા રાજય સરકારની સત્તા ઉથલાવવા કે, રાજય સામે યુધ્ધે ચડવાના ઇરાદે કોઇ જ પ્રવૃત્તિ કરી નથી કે, તે દરમ્યાન તેણે કોઇ ભડકાઉ કે રાજયની શાંતિ ડહોળાય તેવા કોઇ ભાષણો કે નિવેદનો પણ આપ્યા નથી. આ સંજોગોમાં તપાસનીશ એજન્સીના આરોપો ટકતા જ નથી કે જેનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. રાજયમાં જે હિંસાના બનાવો બન્યા હતા, તેની સાથે પણ હાર્દિક પટેલને કોઇ લેવાદેવા નથી કારણ કે, તેમાં પણ હાર્દિકની સીધી કે આડકતરી સંડોવણી કે જવાબદારી પુરવાર થતી નથી. આ તપાસનીશ એજન્સીનો રાજદ્રોહનો કેસ જ ખોટો અને બેબુનિયાદ છે. હાર્દિક તરફથી એવો બચાવ પણ રજૂ કરાયો હતો કે, વાસ્તવમાં મીડિયાએ અમુક વાતો તોડી મરોડીને રજૂ કરી હતી અને તેના કારણે અનિચ્છનીય બનાવોને પ્રોત્સાહન મળ્યું. ગુજરાત રાજયને કોઇપણ પ્રકારે નુકસાન થાય નહી તેવું કોઇ કૃત્ય અમારા દ્વારા કરાયું નથી.