લોકસભાની ચૂંટણીનો ગરમાવો દેશભરમાં બરાબરનો જામ્યો છે. તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી ચૂંટણી લડવાના છે તે વારાનસી બેઠકને લઈને હજી પણ સસ્પેન્સ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોણ ચૂંટણી મેદાને પડશે તેને લઈને દેશભરના લોકોની નજર છે. પરંતુ હવે આ સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે.કોંગ્રેસ તરફથી પાર્ટી મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધી વારાણસી બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ચૂંટણી લડી શકે છે. સૂત્રો તરફથી હાથ લાગેલી વિગતો પ્રમાણે પ્રિયંકા ગાંધીએ પોતે અહીંથી ચૂંટણી લડવાની હા ભરી દીધી છે. જોકે આ મામલે અંતિમ નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ અને તેમના ભાઈ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની માતા સોનિયા ગાંધીએ લેવાનો છે. પાર્ટી મહાસચિવ બન્યા બાદ પ્રિયંકા રાજકારણમાં ખુબ જ સક્રિયતા દાખવી રહ્યાં છે. તેઓ પાર્ટી માટે પ્રદેશના જુદા જુદા વિસ્તારોમાં પ્રચાર કરી રહ્યાં છે. ગત કેટલાક દિવસ પહેલા તેમણે એક સમર્થકના સવાલ પર મોદી વિરૂદ્ધ ચૂંટણી લડવાની વાત પણ કરી હતી.
પ્રિયંકા ગાંધીએ વારાણસીમાં બાબા કાશી વિશ્વનાથના મંદિરના દર્શન પણ કર્યા, શહીદોના પરીજનોને મળ્યા અને ત્યાર બાદ રોડ શો પણ કર્યો. જેને લઈને કયાસ લગાવવામાં આવી રહ્યાં છે કે શું પ્રિયંકા ગાંધી અહીંથી લોકસભાની છૂંટણી લડશે? સૂત્રૂના કહેવા પ્રમાણે પ્રિયંકા પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે બનારસથી ચૂંટણી લડવાને લઈને ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે.
પ્રિયંકાના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગત ચૂંટણીમાં મોદી સામે આપ, સપા, બસપા અને કોંગ્રેસે ચૂંટણી લડી હતી. ૨૦૧૪માં મોદીના પક્ષમાં હવા પણ હતી. અહીં મોદી પોતાના વિરોધી ઉમેવાર અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ ૩,૭૧,૭૮૪ વોટના જંગી અંતરથી ચૂંટણી જીત્યા હતાં. નરેન્દ્ર મોદીને કુલ ૫,૮૧,૦૨૨ મત મળ્યાં હતાં. તો અરવિંદ કેજરીવાલને ૨,૦૮,૨૩૮ મત મળ્યાં હતાં.
૨૦૧૪માં કોંગ્રેસના ઉમેદવાર અજય રાય ૭૫,૬૧૪ મતો સાથે ત્રીજા સ્થાને રહ્યાં હતાં. તો બસપાના ઉમેદવાર વિજય પ્રકાર જાયસ્વાલ ૬૦,૫૭૯ મતો સાથે ચોથા સ્થાને રહ્યાં હતાં. ઉત્તર પ્રદેશમાં તે સમયની સત્તારૂઢ પાર્ટી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કૈલાશ ચૌરસિયાને ૪૫,૨૯૧ મત મળ્યાં હતાં અને તેઓ પાંચમાં સ્થાને રહ્યાં હતાં.