૩૦મી મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઇ રહેલા વર્લ્ડકપ માટે આજે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. ટીમમાં ધારણા પ્રમાણે જ ઋષભ પંતને સામેલ કરવામાં આવ્યો નથી. ઋષભ પંતની જગ્યાએ ટીમમાં બીજા વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈની પસંદગી સમિતિની બેઠક આજે મુંબઈમાં યોજાઈ હતી જેમાં તમામ પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવ્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતીય ટીમમાં કેએલ રાહુલ, દિનેશ કાર્તિક અને વિજય શંકરને સામેલ કરવામાં આવ્યા છે જ્યારે અંબાતી રાયડુને સામેલ કરવામાં આવ્યો નથી. ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી વિરાટ કોહલી પાસે છે જ્યારે વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી રોહિત શર્માને સોંપવામાં આવી છે. ભારતીય ટીમમાં કોઇ વધારે ફેરફાર કરવામાં આવ્યા નથી. ૧૫ ખેલાડીઓ પૈકી ૧૩ ખેલાડીઓના નામ પહેલાથી જ નક્કી દેખાઈ રહ્યા હતા. ટીમમાં બે સ્થાનોને લઇને મુખ્ય સ્પર્ધા ચાલી રહી હતી. નંબર ચાર પર અંબાતી રાયડુ અને વિજય શંકર વચ્ચે સીધી સ્પર્ધા હતી જેમાં વિજય શંકરે બાજી મારી લીધી છે. આવી જ રીતે ટીમમાં બીજા રિઝર્વ વિકેટકીપર તરીકે અનુભવી દિનેશ કાર્તિક અને દિલ્હીના યુવા ખેલાડી ઋષભ પંત વચ્ચે સીધી સ્પર્ધા હતી પરંતુ પસંદગીકારોએ દિનેશ કાર્તિક પર વધારે વિશ્વાસ મુક્યો છે. આઈપીએલમાં શાનદાર ફોર્મમાં આવી ચુકેલા રાહુલે પણ ટીમમાં જગ્યા બનાવવામાં સફળતા મેળવી છે. વર્લ્ડકપમાં જોરદાર ઇરાદા સાથે ઉતરી રહેલી ભારતીય ક્રિકેટ ટીમ ત્રીજી વખત વિશ્વકપ જીતવા માટે પ્રયાસ કરશે. આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમે કપિલ દેવના નેતૃત્વમાં ૧૯૮૩ અને ત્યારબાદ મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ૨૦૧૧માં વર્લ્ડકપ જીતવામાં સફળતા મેળવી હતી. આ વખતે વર્લ્ડકપ રાઉન્ડ રોબિન તરીકાથી રમાડવામાં આવશે. એટલે કે દરેક ટીમ બાકી તમામ ટીમોથી મેચ રમશે અને રાઉન્ડ રોબિન બાદ ટોપની ૪ ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પાંચમી મેના દિવસે દક્ષિણ આફ્રિકાની સામે પોતાની પ્રથમ મેચ રમશે. નવમીએ શ્રીલંકા સામે ભારતીય ટીમ રમશે. આ વખતે ૧૪મી જુલાઈ ૨૦૧૯ના દિવસે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ લોડ્ઝમાં રમાશે. વર્લ્ડકપમાં કુલ ૪૮ મેચો રમાશે. પાકિસ્તાન સામે પણ ભારતીય ટીમની મેચ રમાનાર છે. ભારતીય ટીમ નીચે મુજબ છે.
ભારતીય ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર, કુલદીપ, ભુવનેશ્વર, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સામીનો સમાવેશ થાય છે.