ગુજરાત સરકારના એક સારો એવો અભિગમ છે કે સૌ ભણે અને સૌ આગળ વધે પણ સ્થાનિક લેવલે કાંઈકને કાંઈક સંકલનનો અભાવ જોવા મળે છે. સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે મોટા-મોટા તાયફાઓ અને ઠેર-ઠેર બેનરો સાથે જાહેરાતોના માધ્યમથી શાળા ઉત્સવોમાં મોટી મોટી વાતો ઘણી સાંભળવા મળે છે પણ વાસ્તવિક્તા કાંઈક જુદી છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ કરી ઉત્સવ ઉજવાય છે ત્યારે શૈક્ષણિક ક્ષેત્રે ગામડાઓની સ્થિતિ જોઈએ તો ખ્યાલ આવે સરકારનું સુત્ર છે. સૌ ભણે અને સૌ આગળ વધે. અહીંયા તો ભણવાના ઓરડા નથી જ્યાં ભણતર માટે જાય છે ત્યાં પુરતી વ્યવસ્થા નથી. બહાર બેસીને અભ્યાસ કરવાનો વારો આવ્યો છે.
વાત છે ભાવનગર જિલ્લાના ઘોઘા ગામમાં મચ્છીવાડા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાની. અહીંયા ર૭૬ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્કુલના ચાર ઓરડા અને મધ્યાહન ભોજન માટેના રસોડાની હાલત એકદમ જર્જરીત છે. ઓરડાની અછતના કારણે સ્કુલના વિદ્યાર્થીઓને બે (ર) પાળીમાં અભ્યાસ કરાવવામાં આવે છે. ઓરડાની અછતના કારણે બાળકોને એક સાથે અભ્યાસ કરાવી શકાતો નથી. હાલ બાળકોને સ્કુલના ખુલ્લા મેદાનમાં બેસાડીને અભ્યાસ પુરો પાડવામાં આવી રહ્યો છે તેમજ શાળામાં બાળકોને રમવા માટે મેદાન પણ નથી. પંખા તથા ટ્યુબલાઈટના વાયરો પણ ખુલ્લા છે તેમજ બાળકો માટે સંડાસ-બાથરૂમની પ્રાથમિક સુવિધા પણ નથી. આવી પરિસ્થિતિ વચ્ચે પણ નુરજહાબેન મકવા સહિતના જાગૃત વ્યક્તિઓએ વારંવાર સત્તાધીશોને રજૂઆત કરવા છતા કોઈ નક્કર પરિણામ આવ્યું નથી.