દહેગામ શહેરમાં છેલ્લા ર૮ વર્ષથી દહેગામાં રામનવમીના દિવસે ભગવાન રામલ્લાની ભવ્ય શોભાયાત્રા દહેગામ શહેરમાં નીકળે છે. ત્યારે ચૈત્ર નવરાત્રીની નવમીને દિવસે નીકળતી ભવ્ય શોભાયાત્રામાં દર વર્ષે હિંદુઓની આસ્થાના પ્રતિક એવા રામ ભગવાનના જન્મ દિવસને ઉજવવા ભાજપ અને અન્ય હિન્દુ સંસ્થાઓ જબરદસ્ત પૂર્વ તૈયારીઓ આયોજન કરે છે. ત્યારે ભાજપ અને હિન્દુ સંસ્થાઓની ગેરહાજરીમાં રામ ભગવાનની શોભાયાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી. ભાજપના કાર્યકરો યાત્રામાં ન જોડાતા રાજકારણે ભાજપને રામથી અળગા કર્યા તેવી વાતો વહેતી થઈ હતી.દહેગામ શહેરમાં વર્ષમાં આસો અને ચૈત્ર નવરાત્રીમાં નીકળતી રામલલ્લાની શોભાયાત્રામાં આજ વખત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, સંઘ કે ભાજપના કાર્યકરો ન દેખાતા ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.શોભાયાત્રામાં વિવિધ દસ ટેબ્લો, હાથી, રામજીનો રથ અને અખાડાના પહેલવાનોએ આકર્ષણ જમાવ્યું હતું. રસ્તા પર કરતબ દેખાડતા અખાડાના લોકો સાથે બાળકો પણ ગેલમાં આવી ગયા હતા. ત્યારે વર્ષોથી આ શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા કરાતું હતું. જેમાં ભાજપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાતા હતા. ત્યારે આ વર્ષે ભાજપના કાર્યકરો આ શોભાયાત્રામાં જોડાયા નહોતા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મુખ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
હિન્દુ હોવાના નાતે અમે ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ અને છેલ્લા ર૮ વર્ષથી થતું આવે છે. રાજકીય મતભેદના કારણે આજે ભાજપે ભગવાન રામથી છેડો ફાડી નાંખ્યો છે ત્યારે જે રામના નામે ભાજપ આગળ આવ્યું છે તે રામની શોભાયાત્રામાં માત્ર દર્શન કરી અને જતા રહયા હતા તથા સંઘ પરિવારમાંથી પણ કોઈ શોભાયાત્રામાં આવ્યું નથી તે દુખની વાત હોવાનું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાત પ્રાંત મંત્રી મહાદેવ રબારીએ જણાવ્યું હતું