ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સોફ્ટ હિન્દુત્વનું કાર્ડ ખેલ્યા બાદ નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કોંગ્રેસ પક્ષે હવે વધુ હિન્દુત્વના મુદ્દે મોટી હરણફાળ ભરી છે અને ભાજપને બેકફુટ પર લાવી દીધું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી દિવસોમાં સૌરાષ્ટ્રભરના રામમંદિરોના જીર્ણોધ્ધાર કરવાનું આયોજન કરાયું છે, એટલું જ નહી, રાજયના તમામ ગામોમાં અને મોટાભાગના મંદિરોમાં શંખ, ડ્રમ, ઘંટ, આરતી-પૂજાપાના સામાન સાથેની સંપૂર્ણ કીટ વિતરણ કરવાનું પણ બહુ મોટાપાયે આયોજન હાથ ધર્યું છે. ગુજરાતમાં કોંગ્રેસના રામરાગથી ભાજપની ચિંતા વધી ગઇ છે, ખાસ કરીને આ વખતની ચૂંટણીમાં રાજયના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાના કોંગ્રેસ તરફથી ઝુકાવને લઇ ભાજપને ગામડાઓમાંથી બહુ મોટો ઝટકો સહન કરવાનો વારો આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પ્રચાર-પ્રવાસ દરમ્યાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજયના જુદા જુદા ૨૮ જેટલા મંદિરોમાં માથું ટેકવી, પૂજા-આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા. રાહુલ ગાંધીના ચૂંટણી ટાણે આ સોફટ હિન્દુત્વ કાર્ડ ખેલવાના વ્યૂહાત્મક અભિગમની દેશ અને દુનિયાભરના રાજકીય વિશ્લેષકોએ નોંધ લીધી હતી અને રાહુલ ગાંધીની આ વ્યૂહરચનાની અસર પણ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં જોવા મળી હતી. રાજયના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસને સારી એવી સફળતા અને બેઠકો હાંસલ થઇ હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો કોંગ્રેસે ભાજપના મનસૂબાઓ પર બુલડોઝર ફેરવી નાંખ્યું હતું. હવે ગુજરાત કોંગ્રેસના નેતા તરીકે એટલે કે, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે અમેરલીના ધારાસભ્ય અને યુવા નેતા પરેશ ધાનાણીની નિયુકિત બાદ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં તેની હિન્દુત્વની રણનીતિ વધુ અસરકારક રીતે આગળ ધપાવવાનું નક્કી કર્યું છે અને તેના ભાગરૂપે હવે રાજયના જુદા જુદા ગામો અને મંદિરોમાં કોંગ્રેસપક્ષ દ્વારા સંપૂર્ણ પૂજાપાની કીટ અર્પણ કરવામાં આવશે. જેમાં પૂજામાં ઉપયોગમાં લેવાતા શંખ, ઝાલર, નગારા સહિતની અન્ય સાધન-સામગ્રીઓનો સમાવેશ થાય છે. આ કીટ માટે સોમનાથથી શંખ, જસદણથી ડ્રમ અને ભાવનગરથી પૂજાપાનો સામાન પણ મંગાવી લેવાયો છે. એટલું જ નહી, કોંગ્રેસ દ્વારા તેના કાર્યકરોને ખાસ સૂચના આપવામાં આવી છે કે, કોંગ્રેસના કાર્યકરોએ ગામોના મંદિરોમાં નિયમિત મુલાકાત લેવી અને એવા મંદિરો કે જયાં ભકતોની સંખ્યા ઓછી હોય તેવા મંદિરોમાં સવાર-સાંજ થતી આરતીમાં ભાગ લઇ પૂજા-આરતી કરવી. કોંગ્રેસ પક્ષ દ્વારા તેની વ્યૂહાત્મક રણનીતિના ભાગરૂપે સૌરાષ્ટ્રના ૧૪૮ જેટલા ગામડાઓમાં રામમંદિરોના જીર્ણોધ્ધાર કરવાનું પણ આયોજન હાથ ધરાયું છે. રામમંદિરોના કાયાકલ્પ અને જીર્ણોધ્ધાર માટે કોંગ્રેસ દ્વારા એક ખાસ સમિતિનું પણ ગઠન કરાયું છે. સાથે સાથે હિન્દુત્વની રણનીતિને સાર્થક કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા વિશેષ બજેટ પણ ફાળવાયું હોવાનું જાણવા મળે છે. ગુજરાત વિધાનસભામાં સારા પરિણામો બાદ કોંગ્રેસ હવે આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને ટાર્ગેટ કરીને બેઠી છે.