યાત્રાધામ બહુચરાજીમાં બહુચરના દર્શન માટે દુર દુરથી આવતા માઇભક્તો શુદ્ર એન સાત્વિક ભોજન મળી રહે તેના શુભ આશયથી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા વર્ષો પહેલાં ભોજનાલ શરૃ કરવામાં આવ્યું હતું. જેનુ સંચાલન ટ્રસ્ટ પોતે કરતું અને રાહત દરે શ્રદ્ધાળુઓને સારું ભોજન પણ મળતું હતું. પરંતુ થોડાક વર્ષોથી ટ્રસ્ટ દ્વારા ભોજનાલય નું સંચાલન ખાનગી એજન્સી ને આપી દેવામાં આવ્યું છે. ખાનગી કોન્ટ્રાકટરના હાથમાં ગયા બાદ ભોજનાલયમાં પિરસતા ભોજનની ગુણવતાને લઇ અનેક ફરિયાદો ઉઠતી રહી છે. ત્યાં ગઇકાલ સોમવારે વિસનગર પંથકના એક શ્રદ્ધાળુના ભોજનમાં સડેલા બટાકા નીકળતા તેમણે મેનેજર સામક્ષ રજુઆત કરી હતી. પરંતુ ઉધ્ધત જવાબ મળતાં ભક્તે મામલતદાર સમક્ષ રજુઆત કરતાં તેમણે મેનેજરને ભોજનમાં ગુણવતા જાળવવા કડક સુચના આપી હતી.
વિસનગર તાલુકાના દેણપ ગામન પી.આર.સોલંકી નામના ભાઈભક્ત ગઇકાલ તા.૧૫-૦૪-૨૦૧૯ના રોજ બપોરે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ હેઠળના બહુચર ભોજનાલયમાં પરિવાર સાથે જમવા માટે ગયા હતા. તેમની ડીશમાં પિરસાયેલ બટાકાના શાકમાં સડેલા બટાકા જોઇ તેઓ ચોંકી ગયા હતા અને મેનેજરનું ધ્યાન દોરતાં તેમણે ઉધ્ધત જવાબ આપ્યો હતો. આથી આ શ્રદ્ધાળુ સડેલા બટાકનો નમુનો લઇ સામેજ આવેલી મામલતદાર કચેરીમાં પહોચ્યા હતા અંને મામલતદાર ડોડિયાને રજુઆત કરી હતી. જે અંગે મામલતદારે તુરંત ભોજનાલયના મેનેજરને ભોજનમાં ગુણવતાનું પુરેપુરું ધ્યાન રાખવા સુચના આપી હતી.