ચેન્નાઈ સુપર કિંગ્સ બુધવારે રમાયેલી મેચમાં હૈદરાબાદ સામે ૬ વિકેટથી હારી ગયું હતું. પીઠમાં તકલીફ થતાં મહેન્દ્રસિંહ ધોનીએ મેચમાંથી આરામ લીધો હતો. તેના સ્થાને સુરેશ રૈનીએ કેપ્ટન્સી કરી હતી. હવે ચેન્નાઈની આગામી મેચ ૨૧ એપ્રિલે એમ.ચિન્ના સ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાવાની છે. ધોની આ મેચમાં રમશે તેવી આશા બંધાયી છે.
સુરેશ રૈનાએ હૈદરાબાદ સામે મળેલા પરાજય બાદ કહ્યું કે, ધોની હવે પહેલાં કરતાં વધુ બેટર ફીલ કરે છે. તેના પીઠમાં તકલીફ હતી. હવે તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ રમી શકે તેમ છે. ચેન્નાઈ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી ૯ મેચ રમી છે અને તેમાંથી ૭ મેચ જીતીને ૧૪ પોઈન્ટ સાથે સૌથી આગળ છે.
હૈદરાબાદ સામે થયેલી હાર બાદ રૈનાએ કહ્યું કે, આ હાર ખરેખર અમારા માટે આંખ ઉઘાડનારી હતી. મારુ માનવું છે કે, તે સમયે અમે સારું લક્ષ્ય નહોતું રાખ્યું જેના કારણે જ સતત વિકેટો ગુમાવતા ગયા. જેની કિંમત અમારે મેચ હારીને ચૂકવવી પડી હતી. ફાફ અને વોટસને ટીમને સારી શરૂઆત કરી આપી હતી. પણ તેનો અમે ફાયદો ઉઠાવી શક્યા નહોતા. વચ્ચેની ઓવરમાં ઘણી વિકેટો પડી. મને લાગ્યું કે અમારે વધુ સ્ટ્રાઈક રેટથી રન કરવા જોઈતા હતા. અમે ૩૦ રન ઓછા કર્યા હતા.