ભારતભરમાં પ્રથમ વખત ચૂંટણી પંચ દ્વારા પ્રજ્ઞાચક્ષુ મતદાતાઓ માટે વોટર સ્લીપ બ્રેઈલ લીપીમાં છાપવાનું નક્કી કરવામાં આવ્યું છે.જેની છાપકામ ની કામગીરી ભાવનગર ની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા તેમજ કચ્છ અને દાહોદ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.જેનો લાભ સમગ્ર રાજય ના ૪૦,૦૦૦ કરતા વધુ પ્રજ્ઞાચક્ષુ મતદારોને મળશે.
ભાવનગરના અંધ ઉદ્યોગ શાળાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ ચૂંટણીપંચ ના આ પગલાંને આવકાર્યું હતું તેમજ જણાવ્યું હતું કે બ્રેઈલ લીપીમાં તૈયાર થયેલી વોટર સ્લીપથી પ્રજ્ઞાચક્ષુ મતદારોને મતદાન કરવામાં સરળતા રહેશે.તેમજ તેમને મતદાન મથક,ભાગ નંબર,ક્રમાંક નંબર વગેરે વિગતો સરળતાથી ઉપલબ્ધ થશે.જેથી પ્રજ્ઞાચક્ષુ મતદારો કોઈની પણ મદદ લીધા વગર જાતે જ મતદાન કરવા સક્ષમ બનશે.સમગ્ર રાજ્યના ૪૦,૦૦૦ કરતા વધુ પ્રજ્ઞાચક્ષુ મતદારો આ વ્યવસ્થાથી લાભાન્વિત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે તૈયાર કરવામાં આવેલી મોટાભાગની વોટર સ્લિપ ભાવનગરના જ કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ મંડળ ના પ્રેસ માં તૈયાર કરી સમગ્ર રાજયના વિવિધ જિલ્લાઓમાં પહોંચતી કરવામાં આવી છે.આ પ્રકારના પ્રેસ સમગ્ર રાજયમાં ફક્ત ભાવનગર કચ્છ તેમજ દાહોદ ખાતે આવેલા છે.ચૂંટણીપંચ દ્વારા બ્રેઈલ લીપીમાં તૈયાર કરવામાં આવેલી વોટર સ્લિપની વ્યવસ્થાથી સમગ્ર જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.