આધુનિક અને ભૌતિકવાદના યુગમાં મનુષ્યનું ધ્યેય ફકત પૈસા અને ભૌતિક સુખો છે. ભૌતિક સુખને પામવા માણસની તૃષ્ણાઓ સતત વધતી રહેલી છે. તૃષ્ણાગ્રસ્ત તેનું મન આત્મસંતોષ લેતુ નથી અને માણસ હંમેશા બેબાકળો બનતો જાય છે. માણસની ઇચ્છાઓ અનંત છે અને સંતોષવાના સાધનો હંમેશા તેની પાસે હોય છે કારણ કે ઇચ્છાઓને વેશ બદલતા વાર લાગતી નથી. એક ઇચ્છા સંતોષે એટલે બીજી ઇચ્છા ઉભી જ હોય છે. પરીણામે માણસ ઇચ્છાઓના છબરડામાંં ફસાયેલો હંમેશા રહે છે અને તેમાંથી તે બહાર નીકળી શકતો નથી.
આજે માણસ સુખ સુવિધાઓ અને એશ આરામમાં વધુ જીવે છે અને તેમને દિનપ્રતિદિન સાધનોની માંગ વધતી રહે છે. એક સાધન કે એક અગવડ નવું સાધન કે નવી અગવડ ઉભી થતા પોતાની આકર્ષણ ક્ષમતા માણસ ગુમાવી બેસે છે. એટલે તો માણસને નવું સાધન મેળવવાની ઇચ્છા થાય છે. માણસ આજે ઇચ્છાધારી બની ગયો છે. નવું સાધન મેળવવાની ઇચ્છાથી માણસ જૂનું ત્યજીને નવું સાધન વસાવવા હંમેશા ઉત્સુખ હોય છે.
માણસ કોઇપણ નવું સાધન વસાવવા તે પોતાની આવક કરતા વધુ ખર્ચાળ સાધનોની ઇચ્છા કરે તેથી માણસ દેવું કરે છે અને તેને પહોંચી વળવા માણસ તનતોડ મહેનત કરે અથવા તો ભ્રષ્ટાચાર કરે અથવા ગેરમાર્ગે દોરવાઇ જાય છે. પૈસાની લાલચે તે ચોરી, લૂટફાટ, ભ્રષ્ટાચાર કરતા ખચકાતો નથી અને તે હંમેશા સમસ્યાના વમળમાં ગુંચવાઇ જાય છે, જીવનમાંથી શાંતિ હંમેશા ખોઇ બેસે છે. સમાજમાં આજે અક વર્ગ પાસે અઢળક ધન છે, તો બીજા વર્ગ જે નિર્ધન અને આર્થિક રીતે ગરીબ છે અને તેઓ આર્થિક સંકડામળમાં જીવન ગાળે છે અને જીવન જીવવાનો પ્રયત્ન કરે છે.
આજે ધનિક વર્ગ અને ગરીબ વર્ગ બંનેમાં અશાંતિ છે. જેની પાસે વધુ ધન છે તેઓ વધુ ધનિક બનવા માટે ધમપછાડા કરતા હોય છે. પોતે ધન ભેગુ કરવાની લાલચમાં ખોટા કામ કરે છે અને ભ્રષ્ટાચાર તરફ દોરવાઇ જાય છે. તેઓ આ લાલચની ચુગાલ માળાજાળ માંથી બહાર નીકળી શકતા નથી. જયારે ગરીબ વર્ગના લોકો ખૂબ મહેનત કરીને રાતદિવસ તનતોડ મહેનત કરે છતાં ધનને પામી શકતા નથી. જેથી તેઓ અશાંતિ અનુભવે છે. ગરીબ વર્ગના લોકો પૈસાની લાલચમાં ધનીક વર્ગના લોકોની લાલચમાં આવી ખોટા કામ કરવા માટે તેઓ તેના હાથ નીચે આવી જાય છે.
ભારતીય સંસ્કૃતિ અજોડ છે. આ સંસ્કૃતિ માણસના મન અને વર્તનની મર્યાદા સમજે છે. જે લોકો વિવેક અને સંયમ સમાનતા હોય છે. સંયમને પગલે માણસ જીવનમાં સંતોષનું મહત્ત્વ સમજે છે. મન પર કાબુ હોય તો માણસ છોડવા યોગ્ય વસ્તુ છોડી શકે અને તે માટે વૈરાગ્ય તેનામાં પ્રબળ બનાવી શકે. તેના માટે મજબૂત સંકલ્પ શકિત અને મનોબળ જોઇએ. આજનો માણસ ભૌતિક સુખ પાછળ દોડ મુકે છે. પરંતુ સુખની ઘેલસામાં આત્મિક શકિતની દષ્ટિએ કમજોર પુરવાર થઇ રહ્યો છે, કારણ કે મન પર તેનો કાબુ નથી. આજે માણસ જાત જાતના પ્રલોભનોમાં અટવાય છે. તેમાં રૂપ, રૂપિયા અને સત્તાના કેન્દ્રમાં રાખીને ચાલતો હોય છે. પરિણામે તેમને તે ન મળતા માનસિક રીતે હારી બેસે છે.
માણસમાં અશાંતિ આવવાથી તેનામાં સહિષ્ણુતા ઘટે છે. આત્મબળ નબળું પડે છે. માણસમાં પૈસાની જીદ અને હઠાગ્રહને કારણે માણસ અશાંત મનનો બન્યો છે. તેના જીવનમાં અશાંતિને કારણે ખાલીઓ અનુભવે છે. માણસના જીવનનો આધાર માનસિક પ્રસન્નતા શાંતિ પર છે. ભગવદ્ગીતામાં તેના ઉપાયો છે જેમાં મનુષ્ય બધી જ કામનાઓની પરિત્યાગી કરીને અહંકાર અને સ્પૃહારહિત વર્તન કરે છે તેને શાંતિ પ્રાપ્ત થાય છે. ખરેખર શાંતિનું સરનામુ છે. જેનું હદય સંતોષપુર્ણ ભીનુ અને ભર્યું ભર્યું હોય એ જ શાંતિ અનુભવી શકે છે. આજના માણસનું મન અતિ સંચળ છે એટલે એના વિચારોમાં પણ સંચળતા છે. અસ્થિરતા છે એટલે માણસે ઇચ્છાઓ પરિપૂર્ણ કરવાના મનસૂબા ન રાખતા મનને સંતુષ્ટ રાખી સંયમ દ્વારા શાંતિની અનુભૂતિ કરવી જોઇએ.
માણસના જીવનમાં કામ અને દામ આ બે વાતો જ માણસના માટે અશાંતિ સર્જે છે. શાંતિ માટેની સ્પષ્ટ સમજણ માણસે કેળવવી જોઇએ. ઘણીવાર અકારણ ક્રોધ કરવો કે ઉતાવળથી નિર્ણય લઇ લેવાથી શાંતિમાં ભંગ થાય છે. તેથી મનને શાંત કરી વિચારીને કાર્યનું વ્યવસ્થિત આયોજન કરવું જોઇએ તો જ ખરા અર્થમાં શાંતિ મળશે.