નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તાજેતરમા દેશભરમાં લેવાયેલી બીજા તબક્કાની જેઈઈ મેઈન પરિણામ થોડા જ દિવસમાં જાહેર કરી દેવાશે અને એજન્સી દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ મોડામા મોડુ ૩૦ એપ્રિલ પહેલા પરિણામ સાથે કોમન રેન્ક લિસ્ટ પણ જાહેર કરી દેવાશે.
ઈજનેરી અને આર્કિટેકચરમાં પ્રવેશ માટેની જેઈઈ (જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ)મેઈન આ વર્ષથી વર્ષમાં બે વાર લેવાનું શરૃ કરવામા આવ્યુ છે અને સીબીએસઈને બદલે કેન્દ્ર સરકારની નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષા લેવાઈ રહી છે.જાન્યુઆરીમાં ૯થી૨૦ તારીખ દરમિયાન પ્રથમ તબક્કાની જેઈઈ મેઈન દેશભરમાં લેવાઈ હતી જેમાં ૯.૬૫ લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જાન્યુઆરીની પરીક્ષાનું પરિણામ એજન્સી દ્વારા પરીક્ષા પુરા થયાના ગણતરીના દિવસોમાં જ જાહેર કરી દેવાયુ હતુ અને આ પરિણામમાં એજન્સી દ્વારા પર્સેન્ટાઈલ સ્કોર આપવામા આવ્યો હતો. જાન્યુઆરીની પરીક્ષા બાદ ૭ એપ્રિલથી૧૨ એપ્રિલ સુધી બીજા તબક્કાની જેઈઈ મેઈન લેવાઈ હતી.
આ પરીક્ષાનું પરિણામ થોડા જ દિવસમાં જાહેર કરી દેવાય તેવી શક્યતા છે.જો કે એજન્સી દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ૩૦મી એપ્રિલ પહેલા પરિણામ જાહેર કરી દેવાશે અને બીજા તબક્કાની પરીક્ષાના પરિણામ ઉપરાંત બંને પરીક્ષાના પરિણામના આધારે તૈયાર કરાયેલ રેન્ક લિસ્ટ પણ આ જ દિવસે જાહેર કરી દેવાશે.આ વર્ષે એડવાન્સ પરીક્ષા માટે ૨.૪૫ લાખ વિદ્યાર્થીઓને ક્વોલીફાઈ કરાશે અને કટ ઓફ સ્કોર ઊંચો જાય તેવી શક્યતા છે.