ભાજપ દેશનાં સંવિધાન સાથે ચેડા કરે છે – સિધ્ધુ

863

તા.૨૩ને મંગળવારના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીની જાહેરા પ્રચારનાં આજે અંતિમ દિવસે ભાવનગર બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલના સમર્થનમાં શહેરના ઘોઘાગેઇટ ચોકમાં યોજાયેલી જાહેર સભામાં ભાજપ સરકાર દેશનાં સંવિધાન સાથે ચેડા કરી રહી હોવાનાં આક્ષેપો કરવા સાથે નવજોત સિધ્ધુએ ભાજપ અને મોદી સામે આંકરા પ્રહારો કર્યા હતા. આ પૂર્વે સવારે શહેરનાં વિવિધ વિસ્તારોમાં મનહર પટેલનાં સમર્થનમાં કોંગ્રેસ દ્વારા ભવ્ય રોડ-શો યોજવામાં આવ્યો હતો.

ભાવનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલના સમર્થનમાં ઘોઘાગેઇટ ચોક ખાતે યોજાયેલી જાહેરસભામાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક પૂર્વ ક્રિકેટર નવજોતસિંઘ સિધ્ધુએ સંબોધન કરતા જણાવ્યું હતું કે મોદી દેશના ચોકીદાર નહીં માત્ર અદાણી, અંબાણીનાં ચોકીદાર છે. સરકારી કંપનીઓને ખોટમાં નાખી ખાનગી કંપનીઓને ફાયદા કરાવી આપવાનો કાળો કારોબાર ભાજપ સરકાર કરી રહી છે. જેમાં બીએસએનએલને ફોરજી નહીં આપી ખાનગી કંપનીને ફોરજી આપી દેવાનો દાખલો તાજેતરનો છે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત દેશનું સંવિધાન સર્વોપરી છે ભાજપ સરકાર દેશના સંવિધાન સાથે પણ ચેડા કરતી હોવાના આક્ષેપો કર્યા હતા. નોટબંધી સમયે ભાજપના નેતાઓની સાંઠગાંઠથી કરોડોનો કાળો કારોબાર કરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. દેશમાં મહિલાઓની સુરક્ષા ઘટી રહી છે અને વડાપ્રધાન લોકોનો ટેક્ષના નાણાંથી હવાઇ મુસાફરીઓ કરી વિદેશમાં ઘુમ્યા કરે છે. આ ઉપરાંત લલિત મોદી, નિરવ મોદી સહિત દેશની તિજોરી લૂંટી રફુચક્કર થયા હોવાની વાત પણ તેમણે કરી હતી. આ સભામાં કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઇ પટેલ ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ભાવનગરના પૂર્વ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ અને ભાવનગર શહેર જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો, કોંગ્રેસના હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલના સમર્થનમાં આજે સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય રોડ-શો કરવામાં આવ્યો હતો જેમાં બાઇક તેમજ કાર સાથે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Previous articleભાજપના ભારતીબેન શિયાળના સમર્થનમાં ગ્રામ્ય પંથકમાં જાહેરસભા અને રોડ-શો
Next articleકેટરીના કેફની પાસે હાલમાં સલમાન, અક્ષયની ફિલ્મ છે