કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આમ આદમી પાર્ટીની સાથે ગઠબંધન માટે છેલ્લી સેકન્ડ સુધી તૈયાર રહેવાના સંકેત આપ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, તેઓ ભાજપને પરાજિત કરવા માટે દિલ્હીમાં ૪-૩ની ફોર્મ્યુલા ઉપર આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા છેલ્લી સેકન્ડ સુધી તૈયાર રહેે પરંતુ અરવિંદ કેજરીવાલને હરિયાણામાં તાલમેલ માટેની શરતને છોડી દેવી પડશે. રાહુલે કહ્યું છે કે, દિલ્હી માટે ૪-૩ની ફોર્મ્યુલા અરવિંદ કેજરીવાલે પોતે આપી છે. શરૂઆતમાં અમારી પાર્ટીના લોકોએ આના માટે તૈયારી દર્શાવી ન હતી પરંતુ જ્યારે અમને રાજી કરવામાં આવ્યા ત્યારે કેજરીવાલે હરિયાણાની શરત જોડી દીધી હતી. હરિયાણાની શરત અમને મંજુર નથી. નામ પરત લેવાને લઇને મર્યાદા પૂર્ણ થાય ત્યાં સુધી ગઠબંધન થવાની શક્યતા છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમે છેલ્લી સેકન્ડ સુધી સાથે રહેવાની વાત કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જે દિવસે અરવિંદ કેજરીવાલ હરિયાણા માટેની શરત છોડી દેશે તે જ દિવસે કેજરીવાલ સાથે જોડાણ કરી દેવામાં આવશે. પ્રિયંકા ગાંધીના મોદી સામે વારાણસીમાંથી ચૂંટણી મેદાનમાં ઉતારવાની શક્યતાને લઇને રાહુલે કહ્યું હતું કે, આ સંદર્ભમાં નિર્ણય લેવામાં આવી ચુક્યો છે પરંતુ નિર્ણય શું થયો છે તે અંગે હજુ સુધી સસ્પેન્સ રાખવા માંગે છે. ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધનની સાથે પોતાના સંબંધો ઉપર રાહુલે કહ્યું હતું કે, અમે ઉત્તરપ્રદેશમાં પણ ગઠબંધન ઇચ્છતા હતા પરંતુ અખિલેશ યાદવ અને માયાવતી ગઠબંધન માટે તૈયાર થયા ન હતા. પ્રિયંકા ગાંધી વાઢેરાને ઉત્તરપ્રદેશમાં જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિયંકાને એમ કહી દેવામાં આવ્યું છે કે, જ્યાં પણ કોંગ્રેસના ઉમેદવારનબળા છે ત્યાં સપા અને બસપના ઉમેદવારને નુકસાન ન થયા તેવી ખાતરી કરવા સૂચના અપાઈ છે. અમારો હેતુ ભારતીય જનતા પાર્ટીને પરાજિત કરવાનો છે. જે રીતે પણ શક્ય બનશે તે રીતે વ્યૂહરચના અપનાવવામાં આવશે. વડાપ્રધાન સાથે જોડાયેલા ચર્ચાસ્પદ નારાના સંદર્ભમાં રાહુલે કહ્યું હતું કે, અમે સુપ્રીમ કોર્ટનું ખુબ જ સન્માન કરીએ છીએ. અમે આને લઇને કોઇ ટિપ્પણી કરીશું નહીં પરંતુ લોકોની વચ્ચે આ નારાને લઇને પણ ચર્ચા જોવા મળી રહી છે. આના કોંગ્રેસ ફાયદો થઇ શકે છે. બીજી બાજુ દિલ્હીમાં મુખ્ય સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે દેખાઈ રહી છે. આમ આદમી પાર્ટીની વિશ્વનીયતા હવે ઘટી રહી છે.