બનાસકાંઠાના ભાભરમાં સોની વેપારીની ફિલ્મી ઢબે કરાયેલ લૂંટનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી દીધો છે અને લૂંટના મુદ્દામાલ સાથે બે સગીર સહિત ચાર આરોપીની અટકાયત કરી છે .ભાભરના સોની બજારમાં કામ કરતા એક યુવકને રાતોરાત લખપતિ બનવાના અભરખા જાગતા તેને બે સગીરોની મદદથી એક સોની વેપારી પાસેથી રૃા. ૧૯.૨૫ લાખની મતા ભરેલી બેગની ફિલ્મી ઢબે લૂંટ ચલાવી હતી.
ભાભરમાં ગત તા. ૨૧-૪-૧૯ની સાંજે સોની બજારમાં ઠક્કર જ્વેલર્સ નામની સોના, ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા વૃધ્ધ વેપારી સગાળચંદ ધારસીભાઈ ઠક્કર સાંજે પોતાની દુકાન વધાવીને રૃા. ૧૮.૨૫ લાખના ૭૩ તોલા સોનાના દાગીના અને રૃા. ૨૦ હજારની કિંમતના ૫૦૦ ગ્રામ ચાંદીના દાગીના તેમજ ૮૦ હજાર રોકડ રકમ સહિત રૃા. ૧૯.૨૫ લાખની મતા બેગમાં ભરી ચાલતા પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન આઝાદ ચોક નજીક જનતા હોટલ પાસે લાલ કલરના પલ્સર બાઈક ઉપર આવેલા બે લબરમુછીયા યુવકોએ રસ્તે જતા આ વૃધ્ધ વેપારીના ખભે લટકાવેલ દાગીના ભરેલી બેગ લઈને ફિલ્મી ઢબે નાસી છુટયા હતા.
આ લૂંટ મામલે વેપારીએ ભાભર પોલીસ મથકે જાણ કરતા પોલીસે અજાણ્યા લૂંટારુઓને ઝડપી પાડવા સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં જિલ્લા પોલીસવડા પ્રદિપ સેજુળની સુચનાથી દિયોદર ડીવાયએસપી પી.એચ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભાભર પીએસઆઈ એ.એસ. રબારીએ અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી તેમજ બાતમીના આધારે ચાર લૂંટારુઓને લૂંટની મતા સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા હતા.
જેમાં ભાભરના સોની બજારમાં છેલ્લા કેટલાક વર્ષોથી કામ કરતા નવા ભાભર લુદરીયાવાસના મુકેશ મગનજી ઠાકોરને રાતોરાત લખપતિ બનવાના અભરખા જાગતા તેને તેના સાગરિત નવાભાભરના નવા માઢમાં રહેતા વસુભા મેરૃભા રાઠોડ અને બે સગીરોની મદદથી સોની વેપારીની લૂંટ ચલાવી હતી. આરોપી મુકેશ જાણતો હતો કે જ્વેલર્સ વેપારી સગાળચંદ રોજ દાગીના લઈ ઘરે જતા હોય તેને તેના સાગરિતોની મદદથી લૂંટનો પ્લાન બનાવી બે સગીરો દ્વારા વેપારીની લૂંટ ચલાવાઈ હતી.લૂંટ બાદ પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેમની વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભાભરની સોની બજારમાં કામ કરતા ભાભરના યુવકે સોની વેપારીને લૂંટી રાતોરાત લખપતિ બનવા માટે બે સગીરા સહિત ત્રણ સાગરીતોની મદદથી વૃધ્ધ વેપારીની લૂંટ આચરી હતી.
જોકે પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી દીધો છે અને લૂંટ તેમજ લૂંટમાં વપરાયેલ કુલ ૧૯,૩૧,૫૭૩ નો મુદ્દામાલ સાથે ચાર આરોપીની અટકાયત કરી બનાવની તપાસ હાથ ધરી છે.