ચુંટણી પ્રચારનો અંત : સોમવારે ચોથા તબક્કા માટે મતદાન થશે

591

૧૭મી લોકસભાની પસંદગી કરવા માટે હાલમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. શરૂઆતના ત્રણ તબક્કામાં મતદાન થયા બાદ આજે ચોથા તબક્કાની ચુંટણી માટે પ્રચારનો અંત આવ્યો હતો. આની સાથે જ ડોર ટુ ડોર પ્રચારની હવે શરૂઆત થશે. ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે દેશના નવ રાજ્યોને આવરી લેતી ૭૧ સીટ પર મતદાન થનાર છે. આને લઇને તમામ તૈયારી ચૂંટણી પંચ દ્વારા કરી લેવામાં આવી છે. ચોથા તબક્કાના મતદાન પહેલા આજે પ્રચારના છેલ્લા દિવસે તમામ રાજકીય પક્ષોએ તમામ તાકાત લગાવી દીધી હતી. વડાપ્રધાન મોદી અને કોંગ્રસ પ્રમુખ રાહુલ ગાંધી જોરદાર પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. ચોથા તબક્કામાં ઉત્તરપ્રદેશની ૧૩, મહારાષ્ટ્રકની ૧૭ સીટ પર મતદાન થનાર છે. આ ઉપરાંત જે રાજ્યોમાં મતદાન થનાર છ તેમાં બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, મધ્યપ્રદેશની છ, ઓરિસ્સાની છ, રાજસ્થાનની ૧૩, બંગાળની આઠ અને જમ્મુ કાશ્મીરની એક સીટ પર મતદાન થનાર છે.

આ તબક્કામાં પણ ભાજપના નેતૃત્વમાં એનડી અને અન્ય પક્ષો વચ્ચે સીધી ટક્કર છે. ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી લોકસભાની ૧૧૬ બેઠકો પર ત્રીજા તબક્કાની ચૂંટણી  માટે ૨૩મી એપ્રિલના દિવસે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. આની સાથે જ હવે ૩૦૨ સીટ પર લોકસભાની ચૂંટણી માટેની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી.

હવે સોમવારના દિવસે મતદાન પૂર્ણ થયા બાદ ૩૭૩ સીટો ઉપર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. ૧૧મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં અને ૧૮મી એપ્રિલના દિવસે બીજા તબક્કામાં મતદાન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.

ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ. હવે  ચોથા તબક્કામાં સોમવારે ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે.તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી ૧૧૬ સીટ પર મતદાન થયુ હતુ. હવે સોમવારે ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં  મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે.  છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. અગાઉના ત્રણ તબક્કાની જેમ ચોથા તબક્કાના મતદાન વેળા પણ  તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી છે.  આનાથી વોટરો એ બાબતને જાણી શકે છે કે  તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ. આ વખતે ઇવીએમની અનેક સ્તર પર સુરક્ષાની ખાતરી કરવામાઆવી છે.તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા પહેલાથી જ ગોઠવી દેવામાં આવ્યા છે.  જેના મારફતે મતદાન પર નજર રાખવામાં આવી રહી છે.  ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.  હાલમાં  રસપ્રદ બાબત એ છે કે, આ પ્રથમ એવી ચૂંટણી છે જ્યારે ૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.  ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી. લોકસભાની ચૂંટણીને લઇને મતદારોમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. કરોડો મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ દેખાઇ રહ્યા છે. ચોથા તબક્કાની ચૂંટણી માટે ચૂંટણી પહેલા પ્રચારમાં ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ,  તેમજ કેન્દ્રિય પ્રધાનોએ જવાબદારી સંભાળી રહ્યા છે.  કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ તમામ તાકાત લગાવી દીધી છે.ચોથા તબક્કાની ચૂંટણી પણ રોચક રહેશ. લોકસભા ચૂંટણીમાં સોમવારે મતદાનની સાથે જ ૩૭૩ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. ત્યારબાદ બાકીની ૧૬૯ સીટ પર ધ્યાન કેન્દ્રિત થઇ જશે. આજે પ્રચારના છેલ્લા દિવસે મોદીએ ઉત્તરપ્રદેશમાં ચુંટણી સભા યોજી હતી. જ્યારે ભાજપ પ્રમુખ અમિત શાહે ઝારખંડમાં સભા યોજી હતી. બીજી બાજુ રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત લગાવી હતી.

Previous articleજાતપાતના ખેલ કરનાર પાર્ટીઓ પોતાની જાળમાં ફસાઈ છે : મોદી
Next article૭૦ વર્ષમાં નોટબંધી જેવી ભુલ કોઈએ પણ કરી નથી