ગયા રવિવારે ગુરૂનાં ધનરાશિનાં ભ્રમણનો મેષ-વૃષભ તથા મિથુન રાશિના જાતકો ઉપર કેવો પ્રભાવ રહેશે. તે જોયું આજે કર્ક, સિંહ તથા કન્યા જાતકો ઉપર કેવી અસર રહેશે તે જોઇએ.
(૪) કર્ક (ડ-હ) : ગુપ્ત વિઘ્ન સંતોષીઓ, હરિફો તથા પ્રતિસ્પર્ધીઓ તરફથી આવતાં અવરોધોનો સામનો કરવો પડે. અંદાજે એક વર્ષનું આ ભ્રમણ મહત્વનાં કાર્યોમાં રૂકાવટો અને વિઘ્નોનાં વાતાવરણ વચ્ચે પણ પોતાની ઉન્નતિ – આવક – યશ – પ્રતિષ્ઠા ટકી રહેશે. છઠ્ઠા સ્થઆનનો આ ગુરૂ બીજે -બારમે તથા દસમે દ્રષ્ટિ કરે છે. ધાર્મિક કાર્યો કે માંગલિક કાર્યોમાં ખર્ચ થયા કરે. મોસાળ પક્ષે કે શ્વસુર પક્ષે ચિંતા – બિમારી કે ખર્ચનું આવરણ રહે. નાની લાગતી શારિરીક તકલીફો ઉપર પણ જો ધ્યાન નહીં આપવામાં આવે તો ગંભીર પરિણામ આવવા દહેશત છે. કફ-શ્વાસ કે કમર કે જોઇન્ટસ સંબંધિત ફરિયાદો રહ્યા કરે. આ રાશિવાળી પેઢી, સંસ્થા કે દુકાન કે ફર્મને ધંધાકીય વાતાવરણ આરોહ – અવરોહ જનક રહે. બને ત્યાં સુધી નવા સાહસ નવા રોકાણ કે ભાગીદારી કામકાજ બાબત બહુ જ વિચારીને નિર્ણય લેવો. હિતાવહ ગણાય. શત્રુ વર્ગ તરફથી પ્રતિકૂળતા જનક કાર્યવાહીનો સામનો કરવો ધરે. આ રાશિ ધરાવતા બહેનો તથા વૃદ્ધજનોએ બિમારી કે અકસ્માત, પડવા, વાગવાથી સંભાળવું. બહેનોની ધાર્મિક લાગણી વધે.
(૫) સિંહ (મ-ટ) : સિંહ જાતકો માટે ગુરૂનું પંચમ સ્થાનનું અંદાજે એક વર્ષનું આ પરિભ્રમણ ઉન્નતિ-પ્રગતિ-ભાગ્યોદય તથા તેના માટેની નવી નવી તકોનો અવકાશ રહે. સફળતા પ્રાપ્ત થતાં આત્મશ્રદ્ધા વધતી જાય. નોકરી ધંધાના ક્ષેત્રે આર્થિક આવકમાં વધારો થાય. ઘર, જમીન, વાહન કે મિલ્કતને લગતી સમસ્યાઓ ઉપસ્થિત થઇ હશે તો તેનો હવે નિવેડો આવતો જાય. વ્યવસાયમાં વ્યાપમાં વૃદ્ધિ પ્રાપ્તિમાં વિલંબ થયો હશે તેમને હવે આ તબક્કો સંતાન સુખની પ્રાપ્તિની નિર્દેશ કરે છે. દુરનાં પ્રવાસો તથા દેશ વિદેશનાં પ્રવાસોને અવકાશ રહે. અવિવાહિત વર્ગને પોતાની પસંદગીનું જીવનસાથી પ્રાપ્ત થાય. લવમેરેજ કરવા માગતા જાતકો માટે આ સમય સાનુકૂળ છે. સંતાનનાં અભ્યાસને લગતી કે વિવાહ સંબંધિત સમસ્યા હશે તો તેનો નિવેડો આવે. વિદ્યાર્થીઓ વર્ગને તથા કેળવણી ક્ષેત્ર સાથે સંબંધિત જાતકોને ગુરૂનું આ ભ્રમણ સારી સફળતા અપાવશે. અધૂરા અભ્યાસવાળા કિસ્સાઓમાં પુનઃ અભ્યાસ પ્રારંભ કરવા માગતા જાતકો માટે પણ સમય અનુકૂળ છે. અવિવાહિત વર્ગને વિવાહની તકો ઉપસ્થિત થાય. ભાગીદારી સંબંધિત વિવાદોનો સુખદ અંત આવે.
(૬) કન્યા રાશિ (પ-ઠ-ણ) : એક વર્ષ માટે ધનરાશિમાં રહેનાર બૃહસ્પતિનું ચતુર્થ સ્થાનનું ભ્રમણ આપવા માટે થોડું પ્રતિકૂળતાજનક બની રહેશે. ચતુર્થ સ્થાનનો ગુરૂ આઠમા તથા બારમા સ્થાન ઉપર દ્રષ્ટિ કરશે. આપને સારા નરસા મિશ્ર પ્રકારનાં અનુભવેક પ્રસંગોમાંથી પસાર કરાવશે. ભ્રાતૃવર્ગ સાથે મતભેદને વડિલવર્ગને કોઇને કોઇ રીતે તકલીફ ઉપસ્થિત થાય. યા તો તેમની સાથેનાં સંબંધોમાં અવરોધ આવે. પોતાની તંદુરસ્તી સારી રહે પણ માતા અન્ય વડિલ વર્ગને નાદુરસ્તી કે ખર્ચનું સૂચન કરે છે. અવાર નવાર ખર્ચ આવકમાં વિઘ્નો કે મશ્કેલીઓની પરિસ્થિતિ રખાવે. તેમ છતાં કોઇ મોટી આફતમાંથી છેલ્લે છેલ્લે બચી જવાનાં. ધાર્મિક પૂજાપાઠ કે વ્રત અહીં ઉપયોગી થાય. જમીન, ઓફિસ, જગ્યા કે શેર સટ્ટા, સોના ચાંદીના રોકાણનાં કે એવા અન્ય નાણાકીય જોખમો- સાહસોથી દૂર રહેજો. સ્થાન પરિવર્તનને અવકાશ રહે તથા જો તેમ થાય તો પોતાના માટે લાભદાયી નિવડશે. દેશ વિદેશનાં પ્રવાસ થાય. કોઇ નિકટવર્તી સ્નેહી-સંબંધીથી મન-દુઃખ અથવા વિયોગને અવકાશ રહે. વિદ્યાર્થીઓએ હવે અભ્યાસમાં મિત્રોનાં કારણે સમય કે શક્તિનો અપવ્યય ન થાય તેની કાળજી આવશ્યક બની રહેશે. માતૃપક્ષે (મોસાળ) બિમારી કે ચિંતા જણાય.