લાભુભાઈ સોનાણીની લેખવાળા સંવેદનાની શોધ પુસ્તકનું કવિ કૃષ્ણ દવેના હસ્તે વિમોચન કરાયું

1091

તા. ૨૭/૦૪/૨૦૧૯ નાં ભાવનગરની પ્રતિષ્ઠિત સંસ્થા કૃષ્ણકુમારસિંહજી ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાનાં સંયુક્ત ઉપક્રમે દ્વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘જીવનનો ધબકાર મારી-સ્મરણ યાત્રા’ પુસ્તકના પ્રેરક પ્રસંગો આધારિત રાજ્યસ્તરની રાજ્ય પારિતોષિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના વિજેતાનો સન્માન સમારોહ તથા લાભુભાઈ ટી. સોનાણી દ્વારા લિખિત ‘સંવેદનાની શોધ’ પુસ્તકનું વિમોચન સમાંરભ પ્રવિણભાઈ મારુ (ધારાસભ્ય, ગઢડા) ની અધ્યક્ષતામાં  યોજવામાં આવ્યો હતો. જેમાં પુસ્તકનું વિમોચન જાણીતા કવિ કૃષ્ણ દવેના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય મેહમાન તરીકે અંધજન મંડળ અમદાવાદનાં પૂર્વ આચાર્ય જસુભાઈ કવિએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ‘લોકસંસાર દૈનિકમાં પ્રસિદ્ધ થતી ‘સંવેદનાની શોધ’ લેખમાળાનાં દ્વિતીય ચરણનાં જુદા-જુદા વિષયો પર વાસ્તવિક અને કાલ્પનિક પ્રસંગોને આધાર બનાવી તૈયાર કરવામાં આવેલ પુસ્તક ‘સંવેદનાનો શોધ’ દ્વારા  લેખકશ્રી લાભુભાઈએ ઉત્તમ સમાજની રચના માટે જુદા જુદા પ્રસંગો આધારિત સમાજમાં રહેલી સંવેદનાને ઉજાગર કરવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે.’ અતિથી વિશેષ તરીકે સુશાંત સાવલા, કીર્તીભાઈ શાહે પ્રેરક હાજરી આપી હતી. તેમજ સંસ્થાના પ્રમુખ શશીભાઈ આર. વાધર અને માનદ્‌ મંત્રી મહેશભાઈ પાઠકે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. તેમજ પુસ્તક વિષે, તેમાં ઉલ્લેખાયેલા વિવિધ પ્રસંગોની રસપ્રદ વાત લેખક લાભુભાઈ સોનાણી કરી હતી. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી પ્રવીણભાઈ મારુએ પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે રાજ્ય પારિતોષિક સ્પર્ધામાં વિભાગ (અ) માંથી  ચૌહાણ વિરલબેન વલ્લભભાઈ, મકવાણા મિત્તલ જીવણભાઈ અને ચાંદેગરા ક્રિશ્ના દેવરાજભાઈ (બ) માંથી ગોહિલ કિંજલબેન તખતસિંહ, વાળા મનહરભાઈ ભરતભાઈ અને જયરાજસિંહ ટી. ગોહિલ  સ્થાને તેમજ વિભાગ (ક) માંથી તખતસિંહ દાનસિંહ ગોહિલ, મહેતા જયેશભાઈ પ્રતાપભાઈ  અને પાઠક અર્ચિતાબેન વિષ્ણુપ્રસાદ સફળ રહ્યા હતા. સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં વિભાગવાર વિજેતા બનેલ સ્પર્ધકોને પ્રથમ ક્રમે આવેલ સ્પર્ધકને રૂ.૨૧૦૦૦/-, દ્વિતીય ક્રમે આવેલ સ્પર્ધકને રૂ. ૧૫૦૦૦/- અને તૃતીય સ્થાને આવેલ સ્પર્ધકને રૂ.૧૧૦૦૦/-નાં રોકડ પુરસ્કાર સાથે ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ ફાઈનલ રાઉન્ડમાં પ્રવેશનાર તમામ સ્પર્ધકોને રોકડ પુરસ્કાર સાથે પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત નિષ્ઠા સોનાણીએ અને આભારવિધિ આચાયી ઘનશ્યામભાઈ બારૈયાએ કરી હતી. તેમજ સક્રાગ કાર્યક્રમનું સંચાલન નીતાબેન રૈયાએ કર્યું હતું.

Previous article૪૩.૭ ડિગ્રીએ ભાવેણું ભઠ્ઠી બન્યું
Next articleભાવનગરમાં હત્યાની બાઉન્ડ્રી : વિઠ્ઠલવાડીમાં યુવાનની હત્યા