ગુજરાત રાજ્યમાં હવામાન ખાતા દ્વારા અપાયેલી હિટવેવની ચેતવણીના પગલે આજે રાજ્યભરની સાથોસાથ ભાવનગર પણ ભઠ્ઠી બન્યું હોય તેમ ૪૩.૭ ડિગ્રીએ મહત્તમ તાપમાનનો પારો પહોંચી જવા પામ્યો હતો. જેના કારણે ભાવેણાવાસીઓનું જનજીવન અસ્ત વ્યસ્ત થઇ જવા પામ્યું હતું. સાથો સાથ ૧૨ કિ.મી.ની સરેરાશ ઝડપે ગરમ પવન ફૂંકાતા ઘરમાં તથા ઓફિસોમાં રહેલા પંખાઓ પણ કામ કરતા બંધ થયા હોય તેવો અહેસાસ નગરજનોને થવા પામ્યો હતો.
દર વર્ષે એપ્રિલ માસમાં સૌથી વધુ ગરમી પડતી હોય છે ત્યારે આ વખતે હવામાન ખાતા દ્વારા પણ રાજ્યભરમાં હિટવેવની અગાઉથી ચેતવણી અપાઇ હતી જેના પગલે તંત્ર દ્વારા ઓરેન્જ, રેડ અને યલો એલર્ટ વિવિધ જિલ્લાઓમાં આવ્યા હતા. જેના પગલે ગઇકાલે ભાવનગરમાં ૨ ડિગ્રીના વધારા સાથે ૪૧.૭ ડિગ્રી તાપમાન રહ્યું હતું. જેના આજે બીજા જ દિવસે વધુ ૨ ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાનનો પારો ૪૩.૭ ડિગ્રીને આંબી જતા સીઝનની સૌથી વધુ ગરમી નોંધાઇ હતી અને ચૈત્રના દનૈયા ખરા અર્થમાં તપ્યા હોવાનો લોકોએ અહેસાસ કર્યો હતો. આજે સવારથી જ ગરમીનો પ્રકોપ શરૂ થઇ જવા પામ્યો હતો અને બપોરના ૧૨ વાગ્યા સુધીમાં તો તાપમાનનો પારો ૪૨ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ તાપમાન વધુ ઉચકાતા ૪૩.૭ ડિગ્રીને આંબી જવા પામ્યું હતું. ગત રાત્રીના પણ બફારા સાથે ગરમી યથાવત રહી હતી. અને રાત્રીનું તાપમાન પણ ૨૯.૦ ડિગ્રી રહેવા પામ્યું હતું.
આજે દિવસભર પડેલી કાળઝાળ ગરમીના પગલે રસ્તાઓ ઉપરથી પણ જાણે કે ગરમ લૂ ફુંકાતી હોય તેવો અહેસાસ વાહનચાલકોને થયો હતો. આજે રાજ્યભરમાં સૂર્યનારાયણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ સરેરાશ ૪૫ ડિગ્રી તાપમાન રહ્યું હતું. જેમાં સૌથી વધુ મોડાસામાં ૪૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે છેલ્લા ૧૭ વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લાઓમાં પણ તાપમાનનો પારો ૪૩ થી ૪૫ ડિગ્રી સુધી રહેવા પામ્યો હતો. હજુ આગામી બે દિવસ સુધી હિટવેવ રહે તેવી શક્યતાઓ જણાવાઇ છે. શહેરમાં પડેલી ગરમીના કારણે લોકોએ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળ્યું હતું. જેના પગલે રસ્તાઓ સુમસામ બન્યા હતા અને સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. આમ ભાવનગરમાં ગરમીના કારણે જનજીવન પર વ્યાપક અસર થવા પામી હતી.