બ્લુ વ્હેલથી પણ ખતરનાક રમત ભારતમાં વર્ષોથી રમાય છે એ રમતનું નામ છે ખેતી. આ રમતમાં અંતે આત્મહત્યા થતી હોય છે તેવા બેનર સાથે સોમવારે મહેસાણામાં ભારતીય કિસાન સંઘ દ્વારા દેખાવો યોજાયા હતા. કૃષિક્ષેત્રમાં જીએસટીના વિરોધ સહિતના પ્રશ્નો અંગે જિલ્લા કલેકટર કચેરીએ રેલીરૂપે પહોંચ્યા બાદ અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી ખેડૂતોને મૂંઝવતી સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડી નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી.
ભારતીય કિસાન સંઘ મહેસાણા જિલ્લા પ્રમુખ બબાભાઇ પટેલ, કોષાધ્યક્ષ પ્રભુભાઇ પટેલ, મંત્રી છનાજી ઠાકોર સહિત હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા કૃષિક્ષેત્ર પર લાદવામાં આવેલા જીએસટી દર તેમજ પાક વીમા સહિતના મુદ્દે અધિક નિવાસી કલેકટર રમેશ મેરજાને રજૂઆત કરાઇ હતી. આગેવાનોએ જણાવ્યું કે, ડ્રીપ ઇરીગેશન પર ૧૮ ટકા, ટ્રેકટર પર ૧૨ ટકા, જંતુનાશક દવા પર ૧૮ ટકા, થ્રેસર સહિતના ઓજારો પર ૧૨થી ૧૬ ટકા જીએસટી દર તાત્કાલિક રદ કરવો જોઇએ.
વડાપ્રધાન પાકવીમા યોજનાની વિસંગતતાઓ દૂર કરીને તેને મરજિયાત બનાવો, ખેતી પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં દર વર્ષે ૧૦ ટકાનો વધારો કરો, આડેધડ વીજચેકિંગ બંધ કરો, રી-સર્વેમાં અનેક ભૂલો હોઇ આ કામગીરી રદ કરવી જેનાથી ખેડૂતોને રાહત થશે, જૂની માપણી યથાવત ચાલુ રાખો સહિતના ખેડૂતલક્ષી મુદ્દાઓને અગ્રીમતા આપી યોગ્ય નિરાકરણ લાવવા માંગ કરાઇ હતી.