મામાનાં માથામાં ધોકાનો ઘા ઝીંકી ભાણેજે ઢીમ ઢાળી દીધું

1351

ભાવનગરના પ્રભુદાસ તળાવમાં રહેતા વ્યક્તિની તેના ભાણેજે માથાના ભાગે ધોકાનો ઘા ઝીંકી દઇ હત્યા કરતાં ઘોઘારોડ પોલીસે તપાસ હાથ ધરી છે. ભાવનગર પંથકમાં છેલ્લા છ દિવસનાં હત્યાનો પાંચમો બનાવ નોંધાયો છે.

ભાવનગરના પ્રભુદાસ તળાવ ટેકરીચોક વિસ્તારમાં આવેલ ભારત મીલ નજીક બપોરના સમયે જેન્તીભાઇ સોમાભાઇ કડખડીયા નામના આધેડવયની વ્યક્તિ પર તેના ભાણેજ અરવિંદ મંગાભાઇએ કોઇ કારણોસર ધોકા વડે હુમલો કરતાં ઇજાગ્રસ્ત જેન્તીભાઇને સારવાર અર્થે હોસ્પીટલમાં આવેલ જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

આ બનાવ સંદર્ભે મૃતક જેન્તીભાઇનાં પુત્ર કમલેશભાઇ જેન્તીભાઇએ તેના ફઇબાનાં દિકરા અરવિંદ મંગાભાઇ ઇસનપરીયા વિરૂદ્ધ હત્યા કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી હત્યારા અરવિંદને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. હત્યારા અરવિંદને તેના મામા જેન્તીભાઇ ગાંડો કહેતા તેણે જેન્તીભાઇની હત્યા કરી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. જ્યારે વિસ્તારમાં પણ અરવિંદ અસ્થિર મગજનો હોવાની ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે ભાવનગરમાં છેલ્લા છ દિવસમાં હત્યાનો પાંચમો બનાવ બનતા હાહાકાર મચી જવા પામ્યો છે.

Previous articleસગીરા પર દુષ્કર્મ કરનારને ૧૦ વર્ષની કેદ
Next articleલકઝરી બસોના ૨૦૦ જેટલા ટ્રાવેલ્સ માલિકોને ટેક્ષ ભરવા ફટકારેલી નોટીસોથી ભારે ફફડાટ