રાજ્યમાં ચેઈન સ્નેચિંગની ઘટનાઓ વધતા રાજ્ય સરકારે ગુનેગારોને કડક સજા થાય તે માટે ગત વિધાનસભા સત્રમાં ચેઈન સ્નેચિંગની સજામાં વધારો કરવાનું બિલ પસાર કર્યું હતું. જેને આજે રાજ્યપાલ ઓ.પી.કોહલીએ મંજૂર કરી દીધુ છે. હવેથી ચેઈન સ્નેચિંગ કરનાર આરોપીને ૧૦ વર્ષની સજા અને ૨૫ હજારનો દંડ કરવામાં આવશે.
મહિલાઓના ગળામાંથી ચેઈન સ્નેચિંગ કરનાર આરોપીને ઓછામાં ઓછી ૫ વર્ષ અને વધુમાં વધુ ૧૦ વર્ષની સજા અને ૨૫ હજારનો દંડ કરાશે. ચેઈન સ્નેચિંગ વખતે જો કોઈ મહિલાને ઈજા થાય તો પણ ૩ વર્ષની કેદની સજા ફટકારવામાં આવશે. જો મહિલાનું મૃત્યું થાય તો ઓછામાં ઓછી ૭ વર્ષ અને વધુમાં વધુ ૧૦ વર્ષની સજા ઉપરાંત ૨૫ હજારનો દંડ ફટકારવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ માં દર બે દિવસે એક ચેઈન સ્નેચિંગનો બનાવ બને છે. છેલ્લા એક મહિનામાં શહેરમાં ૧૬ ચેઈન સ્નેચિંગના બનાવ બન્યા છે.