ગુડા વિસ્તારમાં પીવાનું પાણી ડહોળું આવતાં લોકોમાં રોષ

772

રાયસણમાં ગુડા દ્વારા બનાવેલા આવાસમાં છેલ્લા ચારેક દિવસથી ગંદુ પાણી આવતા સ્થાનિકોમાં રોષ ઉઠવા પામ્યો છે. ગંદુ પાણી અંગે સ્થાનિકો દ્વારા ગુડાની કચેરીમાં રજુઆત કરવા છતાં ટેન્કર કે કોઇ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેને પરિણામે સ્થાનિકોએ પીવાનું પાણી માટે આસપાસના વિસ્તારોમાં વલખા મારવાની ફરજ પડી છે. ત્યારે તાકિદે રાયસણવાળા ગુડાના મકાનોમાં ચોખ્ખુ પાણી આપવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

મધ્યમ અને ગરીબ પરિવારોને ઘરના ઘરનું સપનું પુરૂ થાય તે માટે ગુડા દ્વારા રાયસણ ગામમાં મકાનો બનાવ્યા હતા. ગુડા દ્વારા સૌ પ્રથમ વખત બનાવેલા મકાનોને ડ્રોના માધ્યમથી અરજદારોને આપવામાં આવ્યા હતા. રાયસણ ખાતેના ગુડાના મકાનોના વીસ બ્લોક બનાવવામાં આવ્યા છે. દરેક બ્લોકમાં ૨૪ મકાનો બનાવવામાં આવ્યા છે. આથી રાયસણ ખાતેના ગુડાના મકાનમાં કુલ ૪૮૦ પરિવારો નિવાસ કરે છે.

ગુડાના આ આવાસમાં છેલ્લા ચારેક દિવસથી પીવાનું પાણી ડહોળું આવતું હોવાની ફરિયાદ સ્થાનિક લોકોએ કરી છે. ડહોળું પાણી આવતું હોવાથી સ્થાનિકોની હાલત કફોડી બની રહી છે. છેલ્લા ચાર દિવસથી આવતા ડહોળા પાણી અંગે સ્થાનિકોએ ગુડાની ઓફિસમાં રજુઆત કરી હતી. તેમ છતાં સ્થાનિકોને ચોખ્ખુ પાણી મળી રહે તે માટે ટેન્કરની પણ વ્યવસ્થા કરવામાં આવી નહી તેવા આક્ષેપ સાથે સ્થાનિકોએ જણાવ્યું છે.

ડહોળુ પાણી આવતું હોવાથી પીવાનું પાણી વેચાતું લેવાની ફરજ પડી છે. ઉપરાંત રાંધવા તેમજ વાપરવા માટે આસપાસમાંથી લાવવાની ફરજ પડી છે. ગુડા દ્વારા બનાવેલા મકાનોના રહેવાસીઓને ચોખ્ખું પાણી મેળવવા માટે કફોડી હાલત બની રહી છે. ડહોળા પાણીને લીધે લોકોના આરોગ્ય સામે પણ જોખમ મંડરાઇ રહ્યું છે. ત્યારે ગુડા દ્વારા ગંદુ પાણી કેમ આવી રહ્યું છે તેની તપાસ કરીને યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગણી સ્થાનિકોમાં ઉઠી છે.

ગુડા દ્વારા ગંદા પાણીનો પ્રશ્ન તાકિદે ઉકેલવામાં નહી આવે તો આગામી સમયમાં સ્થાનિકો દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે. સ્થાનિકો દ્વારા ગુડાની કચેરીમાં રજુઆત કરવા છતાં ટેન્કર કે કોઇ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેને પરિણામે સ્થાનિકોએ પીવાનું પાણી માટે આસપાસના વિસ્તારોમાં વલખા મારવાની ફરજ પડી છે.

Previous articleબિહોલા રાજપુત સમાજનો દશાબ્દી મહોત્સવ અને સંમેલન યોજાયું
Next articleમેયર ઓફીસ પાસેનો આરો મેયરે તાત્કાલિક ચાલુ કરાવ્યો