હવે નહીં જોવા મળે છકડો રીક્ષા, કંપનીએ નવું પ્રોડક્શન બંધ કર્યું

988

સૌરાષ્ટ્રનો ઉલ્લેખ કરતાં જ મનમાં ખાણી-પીણી, ગીર અને વનરાજાનો વિચાર આવે પરંતુ આ બધાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છની ખાસ ઓળખ એવા છકડો રીક્ષાના ઉલ્લેખ વગર સૌરાષ્ટ્રની ખાસિયતો વર્ણવી ન શકાય. પરંતુ સૌરાષ્ટ્રની શાન ગણાતા આ છકડો રીક્ષા હવે કદાચ રસ્તા પર જોવા નહીં મળે, કારણ છે કે અતુલ કંપની છકડો રીક્ષાનું ઉત્પાદન બંધ કરી રહી છે. રાજકોટ શહેર સહિત ગામડાના અનેક વિસ્તારોમાં આજે પણ છકડો રીક્ષા જોવા મળે છે.  પ્રાપ્ત વિગત પ્રમાણે તાજેતરમાં ભારત સરકારે પ્રદૂષણ અને માર્ગ સલામતીને લગતા ધોરણોને વધુ કડક બનાવ્યા છે જેને છકડો પરિપૂર્ણ કરી શકે તેમ નથી અને આથી જ અતુલ ઓટોએ છકડાનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત મોડર્ન ટ્રાન્સપોર્ટેશન હવે વધુ સરળ બન્યું હોય છકડાની માગમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે.સલમાન ખાન, ઐશ્વર્યા રાય અને અજય દેવગણને ચમકાવતી હમ દિલ દે ચૂકે સનમ, દિપીકા પાદુકોણ અને રણવીર સિંહની રામલીલા અને ક્રિટિક્સ દ્વારા ખૂબ વખણાયેલી અને ચર્ચાસ્પદ બનેલી રાધિકા આપ્ટે, આદિલ હુસેન, સુમિત વ્યાસ અને સૂરવિન ચાવલા સ્ટારર પાર્ચ્ડ ફિલમમાં છકડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત અનેક ગુજરાતી ફિલોમોમાં પણ તેને ઉપયોગમાં લેવાયો છે. જામનગરના જામ સાહેબે ૧૯૭૦ના દાયકામાં જયંતિભાઈના પિતા જગજીવનભાઈ ચાંદ્રાને પોતાની જૂની ગોલ્ફ કાર્ટ વાપરવા માટે આપેલી. આ સમય દરમિયાન સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન એક મોટી સમસ્યા હતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કે પછી માલ સામાનની હેરફેર કરવા માટે મોટા ભાગે ગાડાનો ઉપયોગ થતો હતો. ગામડાના છેવાડાના વિસ્તારોની જરૂરિયાતને સમજીને જગજીવનભાઈને એક એવું વાહન બનાવવાનો વિચાર આવ્યો કે જે પરિવહન અને સામાનની હેરફેર બંને માટે કામ આવે. આ રીતે છકડાનો જન્મ થયો. પિતા-પુત્રની જોડીએ આ વિચાર ઉપર કામ કરવાનું શરૂ કર્યું અને તેમની સામે સૌથી મોટો પડકાર એન્જીન બનાવવાનો સામે આવ્યો.

તે સમયમાં રિક્ષા માટે કોઈ ખાસ ટેક્નોલોજી ઉપલબ્ધ નહોતી પરંતુ ડિઝલથી ચાલતા એગ્રિકલ્ચર પમ્પ પ્રચલિત બન્યા હતા. આ પમ્પની ડિઝાઇનમાં થોડા ફેરફાર કરીને જગજીવનભાઈના માર્ગદર્શન હેઠળ જયંતિભાઈએ એક નવું એન્જીન બનાવ્યું અને તેને છકડામાં ફિટ કરવામાં આવ્યું હતું.

છકડાના આવ્યા પછી ગ્રામીણ વિસ્તારોમાં પરિવાહનની સમસ્યા ઘણા ખરા અંશે ઓછી થઈ હતી. આના કારણે જ તેનું વેચાણ ધીમે ધીમે ઘણું વધ્યું હતું. સામાનની હેરફેર હોય કે પછી લોકોએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો રૂરલ એરિયામાં તે હાથવગું સાધન બની ગયું હતું. ગામડામાં લોકો તેનો ઉપયોગ જાન જોડવામાં પણ કરતાં હતા. ખાસ કરીને ૧૯૯૦ પછીનો સમય છકડા માટે સુવર્ણકાળ બન્યો હતો. આજે પણ ગુજરાતનાં ઘણા એવા ગામડાઓ છે જ્યાં છકડો મુખ્ય પરિવાહનનું સાધન છે.

જામનગરના રાજવી પરિવાર તરફથી ભેટમાં મળેલી ગોલ્ફ કાર્ટ આજે અતુલ ઓટો માટે મુખ્ય બિઝનેસમાંની એક છે. કંપની છેલ્લા ૨ વર્ષથી બેટરીથી ચાલતી ગોલ્ફ કાર્ટ બનાવી રહી છે. ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડે કંપની પાસેથી અત્યાર સુધીમાં ૨૦૦ જેટલી ગોલ્ફ કાર્ટ ખરીદી છે અને તેવી જ રીતે આની કોમપાનયો પણ અતુલ ઓટો પાસેથી બેટરી ઓપરેટેડ કાર્ટ ખરીદે છે. એક સમયે ગોલ્ફ કાર્ટ હોવી એ પ્રતિષ્ઠા ગણાતી હતી પણ આજે તે એક જરૂરિયાત બની ગઈ છે.

Previous article૨૫ વર્ષ જૂની સોસાયટીને રિડેવલપ કરવાની તૈયારી
Next articleરાજ્યભરમાં ગરમીનું પ્રમાણ આંશિકરીતે ઘટી જતા રાહત