ભાવનગર મહાપાલીકા દ્વારા દર વર્ષની માફક એપ્રિલ માસમાં ઘરેવરા સહિતની ૨૦૧૯-૨૦ નાં બીલની રકમમાં ૧૦ ટકા રીબેટ આપવામાં આવેલ. જેમાં આજે રીબેટ યોજનાના અંતિમ દિવસે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ૧૧૦૦૦ આસામીઓએ ૮ કરોડ ઉપરાંતનો વેરો ભર્યો હતો. વેરો ભરવા માટે આજે દિવસભર લોકોએ બારી પર કતારો લગાવી હતી. અને રાત્રીના ૯ વાગ્યા સુધી મહાપાલિકાની કેશબારી ખુલ્લી રાખવામાં આવી હતી. જો કે આજે અંતિમ દિવસે અનેક આસામીઓએ ઓન લાઇન વેરો ભરીને વધારાનાં બે ટકા રીબેટનો પણ લાભ લીધો હતો. ભાવનગર મહાપાલિકા દ્વારા દર વર્ષે વર્ષનાં પ્રારંભે એપ્રિલ માસમાં ઘરવેરા સહિતની રકમ ભરે તેના માટે ૧૦ ટકા રિબેટ યોજના મુકવામાં આવે છે. અને ઓનલાઇન વેરો ભરનાર આસામીને વધારાનાં બે ટકા રીબેટ આપવામાં આવે છે. જેમાં એપ્રિલનાં પ્રારંભથી જ વેરો ભરવા ગીર્દી થવા લાગેલ. પરંતુ યુઝર્સ ચાર્જ મામલે દેકારો થતા થોડા દિવસો માટે લોકોની ભીડ ઓછી થઇ જવા પામેલ. પરંતુ અંતિમ દિવસોમાં ફરીથી વેરો ભરવા ગીર્દી થવા લાગેલ અને ૧૦ ટકા રીબેટ યોજનાનાં અંતિમ દિવસે આજે ૩૦ એપ્રિલે સવારથી જ લોકોની મહાપાલિકાની કેશબારી પર ભીડ થવા લાગેલ અને આજે રાત્રે ૯ વાગ્યા સુધી બારી ખુલ્લી રહેવા પામેલ. પરિણામે આજે એક જ દિવસમાં ભાવનગરના રેકોર્ડ બ્રેક ૧૧૦૦૦ આસામીઓ દ્વારા વેરો ભરવામાં આવેલ અને મહાપાલિકાના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર એક જ દિવસમાં આાજે ૮ કરોડની આવક થવા પામેલ. પરિણામે એપ્રિલ માસમાં કુલ ૫૨ કરોડ કરતા વધુની વેરાની આવક મહાપાલિકામાં થવા પામી હતી.
હવે આવતીકાલ તા.૧ મે થી વેરો ભરનારને ૫ ટકા રીબેટ આપવામાં આવશે. આમ એક જ માસમાં ૫૨ કરોડ જેવી જંગી આવક મેળવવા માટે કમિશ્નર ગાંધીના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કમિશ્નર રાણા તથા આસીસ્ટન્ટ કમિશ્નર ફાલ્ગુનભાઇ શાહ અને ઘરવેરા વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવાયેલ.