ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં અત્યારે ૧૬.૨૪ ટકા પાણીનો જથ્થો છે. જેમાંથી માત્ર ૯.૫૭ ટકા પાણી ઉપયોગ લાયક બચ્યું છે. એપ્રિલની શરૂઆતમાં બનાસકાંઠાના સીપુ અને મુક્તેશ્વર તેમજ સાબરકાંઠાનો ખેડવા ડેમ તળીયા ઝાટક થતાં માત્ર ડેડ સ્ટોરેજ જેટલું પાણી બચ્યું હતું. આવી સ્થિતિ નવ વર્ષ બાદ સર્જાઇ છે. છેલ્લે ૨૦૦૯-૧૦માં આવી વિકટ પરિસ્થિતિ ઊભી થઇ હોવાનું સૂત્રોએ કહ્યું હતું.
હવે અરવલ્લીનો લાંક ડેમ પણ તળીયા ઝાટક થતાં માત્ર ડેડ સ્ટોરેજ જેટલું પાણી બચ્યું છે. બીજી બાજુ મે મહિનો પુરો થાય તે પહેલાં અરવલ્લીના વાત્રક અને વૈડી તેમજ સાબરકાંઠાના જવાનપુરા અને ગોરઠીયા ડેમમાં માત્ર ડેડ સ્ટોરેજ જેટલું પાણી બચશે. વાત્રક ડેમમાંથી ૨૫ ક્યુસેક પાણી કેનાલ વાટે ખેડૂતોને અપાઇ રહ્યું છે. મે અંત સુધીમાં ૧૫ પૈકી ૮ ડેમનું પાણી માત્ર જોઇને મન મનાવવાનું રહે તેવી સ્થિતિ હશે. જો કે, મહેસાણાનો ધરોઇ, અરવલ્લીના મેશ્વો, માઝુમ અને સાબરકાંઠાનો હરણાવ-૨ માં ચોમાસા સુધી પાણી રહેશે તેવો તંત્રનો અંદાજ છે. તમામ ડેમોને અત્યારે ગરમીના કારણે થતું બાષ્પીભવન અને જમીનમાં શોષાતાં પાણીનું સંકટ વધુ છે.