બનાસકાંઠાના વાવ, સુઇગામ, અમીરગઢ, પાલનપુર અને દાંતાના મળી કુલ ૩૫ ગામમાં જુદાજુદા ૬૫ ટેન્કર દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. જોકે સહુથી વધુ કફોડી હાલત દાંતા તાલુકાની છે. અહીંના ૩,૮૧૨ હેન્ડપમ્પમાંથી ૧,૧૧૮ હેન્ડપમ્પ પાણીના તળ ઊંડા જતા બંધ હાલતમાં છે. તાલુકાના ૧૫ ગામોના ૨૦ ફળિયા માત્ર ટેન્કર પર નિર્ભર છે.
બનાસકાંઠા જિલ્લાના જે ૩૫ ગામોમાં ટેન્કરથી પાણી અપાય છે તેમાં વાવમાં રાધાનેસડા અને લોદ્રાણી નો સમાવેશ થાય છે. જોકે જેમ જરૂરિયાત ઉભી થાય તેમ-તેમ ટેન્કર ફાળવાય છે. અમીરગઢમાં ઉપલોબંધ, ઉપલોખાપા, ખુણીયા, ઢોલીયા, ખજુરીયા, રબારણ અને માંડલીયા ગામમાં જુદા જુદા ૧૨ ફેરા કરી ટેન્કર દ્વારા પાણી અપાઈ રહ્યું છે.
દાંતામાં વરસાદ આધારિત ખેતી કરતા વનવાસીઓની હાલત સહુથી વધુ કફોડી છે. પાણીના તળ ઊંડા જતા ૩,૮૧૨ હેન્ડપમ્પમાંથી ૧,૧૧૮ હેન્ડપમ્પ બંધ થઈ ગયા છે. દાંતના પંદર ગામોના ૨૦ ફળિયામાં પાણી પહુચાડવામાં આવી રહ્યું છે. જેમાં ઝરીવાવ નજીકના વિસ્તારમાં, સેબલપાણીના રાયણફળી અને રબારી વાસમાં, ચીખલા હોળીફળી, મોટાપીપોદરા ઠાકોરવાસ, ખંડોરઉમરી ડેંગર ફળી, કુંભારીયા મામાજીનું ગોળીયું, ધ્રાંગી વાસ સ્કૂલ ફળી, ડેરીચારડા પટેલ ફળિયુ, કાનગર સ્કુલ ફળીયું, ચોરી સ્કૂલ ફળિયુ, વડવેરા, પીપળાવાળી વાવ વજાસોમાંની ફળી, ધામણવા, માંકણચંપા, મહોબતગઢ, કણબીયાવાસ, જોધસર કોદરવી ફળી, ડાભી ફળી, નવોવાસ કાન્ટ ગમાંર ફળી અને કોદરવી ફળી, બાણોદરા રોજવા ફળી અને જેતવાસ સુરમાતા ફળીમાં ૪૩ ફેરા ટેન્કર દ્વારા જૂથ યોજના થકી હવાડા અને સંપમાં પાણી આપવામાં આવી રહ્યું છે. સુઇગામ તાલુકાના જોરાવર ગઢ, મેઘપુરા, બેણપ, પાડણ અને કોરેટી ગામમાં ટેન્કર દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. જ્યારે એકમાત્ર ટેન્કર પાલનપુર તાલુકાના અસમાપુરા ગામમાં આપવામાં આવી રહ્યું છે.
આમ જિલ્લામાં ૨.૯૧ લાખ લીટર પાણી ટેન્કર દ્વારા હવાડા અને સંપમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવી રહ્યું છે. દાંતાના કણબીયા વાસમાં હેન્ડ પમ્પમાં પાણી આવતું બંધ થઈ જતા અહીં ટેન્કર મોકલવામાં આવી રહ્યું છે. અંતરિયાળ રાણીઉંબરી ગામમાં અપૂરતા પાણીના લીધે લોકો એક સપ્તાહ બાદ કપડાં ધુવે છે.
સૌથી કફોડી હાલત છેવાડાના કુકડી અને કાનગર ગામની છે. અહીં કુકડી ગામમાં આવેલા પરા ફળિયામાં રહેતા પચાસ પરિવારો ૧ કિલોમીટર દૂરથી રોજ પાણી લાવવા મજબુર છે. ધરોઇની પાઇપ લાઇન હજુ ગામમાં આવી નથી. અધૂરામાં પૂરું પાણી ન મળતા ગામ લોકો સપ્તાહમાં એક વાર નાહવા ટેવાઈ ગયા છે. આવી જ હાલત કાનગર ગામના તરાલ ફળિયાની છે. અહીંની આશ્રમ શાળામાંથી વેકેશનમાં આવેલી બાળકીઓ પરત પાણીના અભાવે પરત આશ્રમ શાળા જવા માંગે છે. હાલ દર બીજા દિવસે ટેન્કર આવે છે તેમાંથી ફળિયાના ૧૦૦ પરિવારો પાણી લે છે. જે પશુઓ અને સ્થાનિક લોકો માટે હોય છે.