બોલિવૂડ ‘ખિલાડી’ અક્ષય કુમારની કેનેડાની નાગરિકતાને લઈ વિવાદ થતા અક્ષય કુમારે થોડા દિવસ પહેલા મૌન તોડી ટિ્વટર પર એક પોસ્ટ કરી પોતાની વાત કહી હતી. જોકે હવે કેનેડાની નાગરિકતાની વાત સ્વીકાર કર્યા બાદ એક નવો વિવાદ અક્ષય કુમાર સામે આવ્યો છે. હવે રાષ્ટ્રીય પુરસ્કાર માટે તેની લાયકાતને લઈ સોશિયલ મીડિયા પર સવાલ પૂછવામાં આવી રહ્યા છે.
જોકે ફિલ્મ નિર્માતા રાહુલ ઢોલકિયાએ આનું સમર્થન કરતા કહ્યું કે,‘એક વિદેશી નાગરિકને પણ રાષ્ટ્રીય પુરસ્કાર મળી શકે છે.’ અક્ષયને રાષ્ટ્રીય પુરસ્કાર કેવી રીતે મળ્યો આ વાતને લઈ સોશિયલ મીડિયા પર શનિવારે યૂઝર્સ દ્વારા સવાલ પૂછવામાં આવ્યા જેમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ સંપાદક અને લેખક અપૂર્વા અસરાની પણ સામેલ હતી. તેમને ટિ્વટ કરી કહ્યું કે,‘શું કેનેડાના નાગરિક ભારતીય રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે યોગ્ય છે? વર્ષ ૨૦૧૬માં અક્ષય કુમારને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો, જ્યારે અમને લાગી રહ્યું હતું કે મનોજ વાજપેયીને ‘અલીગઢ’ માટે આ એવોર્ડ મળશે.
માની લો કે જ્યૂરી અથવા મંત્રાલયે આ મામલે કોઈ ભૂલ કરી છે તો શું તેમાં સુધારો કરવામાં આવશે?’