હિંમતનગર, વડાલી યાર્ડનો વેપારી ખેડૂતોના ૪.૬૦ લાખ લઇ ફરાર

537

જાહેર હરાજીમાં ખેડૂતો પાસેથી ઘઉં, દિવેલા કપાસ જેવી જણસોની ખરીદી કરી ખેડૂતોને ૪.૬૦ લાખનું ચૂકવણુ ન કરી વડાલી યાર્ડનો વેપારી ફરાર થઇ જતા શનિવારે સવારે ખેડૂતો રોષે ભરાયા હતા અને સવારથી જ હરાજી અટકાવાતાં માર્કેટયાર્ડના ડિરેક્ટર્સ – ચેરમેન દોડી આવ્યા હતા અને ખેડૂતોને માર્કેટ યાર્ડમાં જાહેર હરાજીમાં વેચેલ માલના નાણા ચૂકવી આપવાની બાંહેધરી આપતા ૧૧ વાગ્યે હરાજી શરૂ થઇ હતી અને હાલ પૂરતો મામલો થાળે પડ્‌યો હતો.

વડાલી યાર્ડમાં છેલ્લા બે એક વર્ષથી ભાડાની દુકાન નં-૪ રાખીને સાગર ટ્રેડર્સના નામે ઘઉં, એરંડા, કપાસ જેવી કૃષિ જણસની ખરીદીનો વ્યવસાય કરતા શફીભાઇ મનસુરી નામનો વેપારી શુક્રવારે બપોર બાદ ગાયબ થઇ ગયો હતો શનિવારે પંદરેક ખેડૂતો યાર્ડમાં આવી પહોંચ્યા હતા. આ વેપારી ન મળતા છેલ્લા દોઢેક માસથી ઘઉં, દિવેલા કપાસ વેચીને બેઠેલા ખેડૂતો રઘવાયા બન્યા હતા અને સવારે હરાજી શરુ થતા જ બંધ કરાવી હતી. જેથી માર્કેટયાર્ડના કર્મચારીઓ અને ખેડૂતો શફીભાઇ મનસુરીના ઘેર ગયા હતા જ્યાં શફીભાઇ મનસુરી ફરાર થઇ ગયાની જાણ થઇ હતી. ખેડૂતોના હોબાળા અને હરાજી અટકાવાયા બાદ માર્કેટ યાર્ડના ડીરેક્ટરો અને ચેરમેન દોડી આવ્યા હતા.

ખેડૂતોની એક જ માંગ હતી કે જાહેર હરાજીમાં વેચેલ જણસોની બાકી રકમ માર્કેટ યાર્ડ ચૂકવી આપે. ખેડૂતોનો આક્રોશ જોઇ ચેરમેન જેન્તીભાઇ પટેલે શફી મનસુરીના સંબંધીઓને બોલાવ્યા હતા અને તેમની સાથે વાતચીત કર્યા બાદ ખેડૂતોને બાંહેધરી આપી હતી કે વડાલી યાર્ડમાં વેચાયેલ માલની રકમ આગામી દસ દિવસમાં ચૂકવી અપાશે. યાર્ડ દ્વારા હૈયાધારણ આપ્યા બાદ ખેડૂતોને સાથે રાખી શફીભાઇ મનસુરીની દુકાનને તાળું મારી સીલ મારવામાં આવ્યુ હતુ અને સવારે અગિયાર વાગ્યે હરાજી શરૂ થઇ હતી. ખેડૂતોની એક જ માંગ હતી કે જાહેર હરાજીમાં વેચેલ જણસોની બાકી રકમ માર્કેટ યાર્ડ ચૂકવી આપે. ખેડૂતોનું આ રૂપ જોઇને સેક્રેટરીએ વેપારીના સગાસંબંધીઓને બોલાવી મામલો હાલ પૂરતો મામલો થાળે પાડ્‌યો હતો.

વડાલી માર્કેટ યાર્ડમાં વેપારી ખેડૂતોની લાખ્ખો રૂપિયાની છેતરપીંડી કરીને ફરાર થઇ જવાના પ્રકણમાં માર્કેટ યાર્ડનો વહીવટ પણ એરણે ચઢ્યો છે. પેઢીના નામનુ નગરપાલિકામાં રજિસ્ટ્રેશન નથી ગુમાસ્તાધારા હેઠળ નોંધણી નથી કે જીએસટી નંબર પણ નથી માર્કેટ યાર્ડ વહીવટ દારોની ગંભીર બેદરકારી બહાર આવી છે. વેપારી ફરાર થયાની વાત જાહેર થશે ત્યારે છેતરપિંડીનો આંકડો ઘણો વધે તેમ હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.

વેપારીના ઘેર પણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ મળી ન આવતા ચેરમેન દ્વારા સંબંધીઓને બોલાવી વાતચીત કરી માર્કેટયાર્ડમાં વેચાણ થયેલ રૂા.૪.૬૦ લાખની કૃષિ પેદાશનુ ચૂકવણુ કરવા ખેડૂતોને બાંહેધરી આપવામાં આવી છે. । નિલેશભાઇ મહેતા, સેક્રેટરી વડાલી માર્કેટ યાર્ડ

મેં રૂા.૧.૫૮ લાખની કૃષિ ઉપજ આપી છે બે-ત્રણ દિવસમાં પેમેન્ટ આપવાનુ અને ચેકબુક પૂરી થઇ ગઇ હોવાનુ જણાવી મોટા ભાગનાને છેતર્યા છે. માર્કેટ યાર્ડમાં જ રૂા.૧૦ લાખથી વધુની ખરીદી કરી છે જાહેર હરાજી સિવાય કરેલ ખરીદીનો કુલ આંકડો રૂા.૨૦ લાખથી વધુ થવા જાય છે.

Previous articleભારત અને ઇંગ્લેન્ડ વર્લ્ડકપ જીતવાના પ્રબળ દાવેદાર : યુવરાજસિંહ
Next articleSG હાઉવે પર ચાલતી BMW કારમાં અચાનક આગ લાગી