શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં જોરદાર તેજીનો માહોલ રહી શકે છે કારણ કે અનેક હકારાત્મક સંકેતો આવી રહ્યા છે. જેમાં અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મંત્રણા, આઈઆઈપીના આંકડા, કમાણીના આંકડા સહિતના પરિબળોનો સમાવેશ થાય છે. શેરબજારમાં સાત પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. ત્રિમાસિક ગાળામાં કમાણીના આંકડા, મેન્યુફેકચરીંગ ગ્રોથના આંકડા, ચુંટણીના પાંચમાં તબક્કાના મતદાનની અસર પણ જોવા મળશે. તેલ કિંમતો, ડોલર સામે રૂપિયાના એક્સચેન્જ રેટ અને વિદેશી મૂડી પ્રવાહની સીધી અસર જોવા મળશે. છેલ્લા સપ્તાહમાં બીએસઈ સેન્સેક્સમાં ૧૦૪ પોઈન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૩૮૯૬૩ની રહી હતી. જ્યારે નિફ્ટી-૫૦માં ૪૨ પોઈન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૭૦૨ રહી હતી. આગામી સપ્તાહમાં જે પરિબળોની અસર રહેનાર છે તેમાં અમેરિકા અને ચીન વચ્ચેની વેપાર મંત્રણાનો સમાવેશ થાય છે. ચીની પ્રતિનિધિમંડળ બુધવારના દિવસે અમેરિકા પહોંચશે અને સૂચિત વેપાર સમજૂતિ ઉપર ચર્ચા કરશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહી ચુક્યા છે કે ચીન સાથેની વેપાર મંત્રણા ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ દ્વારા કહેવામાં આવી ચુક્યું છે કે બેજિંગ સાથે વેપાર વિવાદને ટૂંકમાં જ ઉકેલી લેવામાં આવશે. આગામી બે સપ્તાહની અંદર જ યોગ્ય નિકાલ સમસ્યાનો કરાશે. ૨૧૬ કંપનીઓના માર્ચ ત્રિમાસિક ગાળામાં કમાણીના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, મેરિકો દ્વારા સોમવારના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. વેદાંતા, એસ્કોર્ટ અને સીએટના પરિણામ પણ જાહેર કરવામાં આવશે. બુધવારના દિવસે ટાઈટન કંપની અને ધનલક્ષ્મી બેંકના પરિણામ જાહેર કરાશે. ગુરૂવારે એચસીએલટેક અને અપોલો ટાયરના પરિણામ જાહેર કરાશે. શુક્રવારના દિવસે મૂડીરોકાણકારો દ્વારા ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટના આંકડા જારી કરવામાં આવશે. ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો ૨૦ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. મેન્યુફેકચરીંગ સેકટરમાં સીધી અસર જોવા મળી રહી છે. પાંચમાં તબક્કાની ચુંટણીને લઈને પણ ઉત્સુકતા દેખાઈ રહી છે. ૫૧ સીટ પર મતદાન થશે. ચાર તબક્કાન ચુંટણીમાં મતદાનની ટકાવારી ૬૭ ટકા રહી છે. જ્યારે ૨૦૧૪માં ૬૭.૬ ટકા રહી હતી. ઉંચુ મતદાન ઐતિહાસિક રીતે કોઈપણ પાર્ટી માટે યોગ્ય રહ્યું છે. યુરો ઝોનના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. તેલ કિંમતો અને રૂપિયાની ચાલ ઉપર પણ તમામની નજર કેન્દ્રિત થયેલી છે. શુક્રવારના દિવસે બ્રેન્ટ ક્રુડની કિંમત બેરલદીઠ ૭૦.૮૫ ડોલર પર રહી હતી. યુએસ ક્રુડની કિંમત ત્રણ ટકા સુધી ઘટી ચુકી છે. વિદેશી ફંડ પ્રવાહની વાત કરવામાં આવે તો ૩ મહિનામાં ૭૨૩૯૪ કરોડ ઠાલવી દેવામાં આવ્યા છે. એપ્રિલ મહિનામાં મૂડી પ્રવાનો આંકડો ૨૧૧૯૩ કરોડ રૂપિયાનો રહ્યો છે.