ગુજરાતના સૌરાષ્ટ્રમાં આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ રહ્યો હતો. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદના કારણે ખેડુત સમુદાયમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. હવામાનમાં એકાએક પલ્ટો આવ્યો હતો. આજે અમરેલી, ભાવનગર, સાવરકુંડલા, ગાંધીનગર, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં વિવિધ જગ્યાઓએ વરસાદી ઝાપટા પડ્યા હતા. સતત બીજા દિવસે વરસાદના કારણે પાકને નુકાસાન થવાનો ખતરો સર્જાઈ ગયો છે. રાજયના હવામાન ખાતાએ ગુજરાતમાં નિયત સમયે જ ચોમાસાના આગમનની આગાહી કરી છે અને તા.૧૫ જૂનની આસપાસ ચોમાસાનો પ્રાંરભ થવાની શકયતા વ્યકત કરી છે. ગઈકાલે ફેની વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી હોય તેમ અમરેલીના સાવરકુંડલાના બાઢડાથી જાબાળ સુધીના વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. ભારે પવન સાથે વરસાદી ઝાપટુ વરસી જતા રસ્તા પર પાણી ભરાઇ ગયા હતા.
તો, ચલાલા પંથકમાં ધોધમાર વરસાદ ખાબકયો હતો. કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે ત્યારે ખેડૂતોમાં પણ ચિંતાનું પ્રસરી ગયું છે. વરસાદને પગલે વિસ્તારમાં ઠંકડ પ્રસરી હતી અને પંથકમાં અસહ્ય ગરમીમાંથી લોકોએ રાહત અનુભવી હતી. તો, ધારી પંથકમાં પણ વરસાદી ઝાપટા પડયા હતા. સાવરકુંડલા બાદ અમરેલીના ધારી તાલુકાના જીરા, ખિસરી, કરમદડી, ત્રંબકપુર સહિતના ગામોમાં વરસાદી છાંટા અને હળવા ઝાપટા પડ્યા હતા. અસહ્ય બફારા વચ્ચે વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. કચ્છના ગાંધીધામ પંથકના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા. યાત્રાધામ અંબાજી ખાતે પણ ભારે પવન અને કાળા ડિંબાગ વાદળ છવાયાના વાતાવરણ વચ્ચે વરસાદ નોંધાયો હતો. દરમ્યાન રાજયના હવામાન ખાતાએ બે દિવસ વાતાવરણ સામાન્ય રહ્યા બાદ ફરી એકવાર ગરમીનો પારો ઉંચકાય તેવી આગાહી કરી હતી.