નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા મેડિકલ-ડેન્ટલ સહિતના પાંચ કોર્સ માટે લેવાનારી નીટની પરીક્ષા આજે ભારે ઉત્તેજનાભર્યા વાતાવરણ વચ્ચે લેવાઇ હતી, જેમાં ગુજરાત રાજયમાંથી આશરે ૭૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા. તો સમગ્ર દેશભરમાંથી ૧૫.૧૯ લાખથી વધુ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષામાં બેઠા હતા. નીટની પરીક્ષામાં આજે ૭૨૦ માર્ક્સના ૧૮૦ પ્રશ્નો પૂછાયા હતા. ગુજરાત સહિત દેશભરમાં આઠ અલગ-અલગ ભાષામાં નીટની પરીક્ષા લેવામાં આવી હતી. હવે આગામી તા.૫મી જૂનના રોજ નીટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. નીટની પરીક્ષાને લઇ આજે તંત્ર દ્વારા પણ વિદ્યાર્થીઓને કોઇ અગવડ ના પડે ખાસ કરીને પરીક્ષા કેન્દ્રો પર ઉનાળાની ગરમીને લઇ પાણી, છાશ, આરોગ્ય વિષયક સેવા સહિતની સુવિધાઓને લઇ ખાસ વ્યવસ્થા કરી હતી. આજે અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત રાજયમાં ૭૫ હજારથી વધુ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી. ગુજરાતમાં આ વખતે નીટની પરીક્ષા આપનારા આવા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે તેની સાથે સ્પર્ધા પણ વધી હતી. આ વર્ષે ગુજરાતી મીડિયમના ૩૯ હજાર વિદ્યાર્થીઓ નીટ માટે નોંધાયા હતા. ગુજરાતમાં નીટ પરીક્ષા માટે કુલ ૧૪૨ સેન્ટરની ફાળવણી થઇ હતી, જેથી અમદાવાદ શહેર સહિત રાજયના કુલ ૧૪૨ પરીક્ષા કેન્દ્રો પર નીટની પરીક્ષઆ લેવાઇ હતી. આજે તા.૫મી મેના રોજ બપોરે ૨-૦૦ થી ૫-૦૦ ના સમય દરમિયાન પરીક્ષા લેવાઇ હતી. અગાઉ આ સમય સવારનો હતો, પરંતુ સેન્ટર દૂર હોય અને વિદ્યાર્થીને પહોંચવામાં મોડું થાય તેવી ગણતરીને ધ્યાને લઇને પરીક્ષાનો સમય બપોરનો કરાયો હતો.
આ વર્ષે સારી એવી સંખ્યામાં રિપિટર પરીક્ષા આપવા બેઠા હતા. ગત વર્ષે તા.૬ મેના રોજ નીટની પરીક્ષા લેવાઇ હતી, જેમાં ગુજરાતના ૩૨,૬૨૫ વિદ્યાર્થી ક્વોલિફાય થયા હતા, જેમાં સાત વિદ્યાર્થી ટોપર હતી. સમગ્ર દેશમાં ગત વર્ષે ૧૨,૬૯,૯૨૨ વિદ્યાર્થીઓએ નીટ આપી હતી તે પૈકી ૭,૧૪,૫૬૨ વિદ્યાર્થી ક્વોલિફાય થયા હતા. જેની સરખામણીએ આ વર્ષે નીટની પરીક્ષા માટે ૧૫ લાખ, ૧૯ હજાર વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આમ ગત વર્ષની સરખામણીમાં ૧૪ ટકા વિદ્યાર્થીઓ વધુ નોંધાતા આ વખતે મેડિકલમાં પ્રવેશનું કટ ઓફ પણ ઉંચુ જવાની સંભાવના છે.