સિવિલમાં લિફ્ટ અને સીસીટીવી શોભાનાં ગાઠીયા સમાન, દર્દીઓને ભારે હાલાંકી

608

રાજ્ય સરકારે સોલા સિવિલ હોસ્પિટલને રૂ.ર૪ર કરોડના ખર્ચે જીએમઈઆરએસ મેડીકલ કોલેજ સંલગ્ન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી છે. જોકે તેમાં હજુ વર્ષો લાગશે, પરંતુ અત્યારે હોસ્પિટલના વહીવટીતંત્રની લાલિયાવાડીના કારણે લાખો રૂપિયાના ખર્ચે ઊભી કરાયેલી સુવિધાઓ ઠપ છે. દર્દી તથા તેમનાં સગાંસંબંધીઓ તેના કારણે હાલાંકીમાં મુકાયા છે.

સોલા સિવિલ હોસ્પિટલનાં સત્તાધીશોનાં અણઘડ આયોજન અને ગંભીર બેદરકારીનો હાલ તો ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમનાં સગાંવહાલાંઓ ભોગ બની રહ્યાં છે અને ત્રાહિમામ્‌ પોકારી ઊઠ્યાં છે, કારણ કે સોલા સિવિલ હોસ્પિટલનાં બી, સી, ડી, ઈ વિભાગ તેમજ કોલેજ કેમ્પસ તથા નર્સ હોસ્ટેલનાં રોડ સાઈડના તમામ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે.

ડોક્ટરનાં બાઈક, સિક્યોરિટીનાં બાઈક, કેમ્પસમાંથી રિક્ષા ચોરી તેમજ હોસ્ટેલમાંથી લેપટોપ સહિતની ચીજવસ્તુઓની ચોરી થઈ ચૂકી છે.જેનો ભેદ ઉકેલવામાં પોલીસ લાચાર બની જાય છે, જેનું કારણ માત્ર બંધ પડેલા સીસીટીવી કેમેરા છે ત્યારે નવા બિલ્ડિંગમાં મુકાયેલ સીસીટીવી કેમેરા માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા જેવા લાગે છે. નવા બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા મૂકેલા છે, પરંતુ કેબલ નાખ્યો નથી, જેથી મોટા ભાગના સીસીટીવી કેમેરા બંધ જોવા મળે છે તો સોલા સિવિલના જૂના બિલ્ડિંગમાં લિફ્ટ આવેલી છે, પરંતુ તે પૈકી માત્ર ને માત્ર બે જ ચાલુ છે અને એક લિફ્ટ તો ૬ માળ સુધી જ જાય છે.

Previous articleતીવ્ર વેચવાલી વચ્ચે સેંસેક્સ ૩૬૩ પોઈન્ટ ગગડીને બંધ
Next articleફેની તોફાન : ઓરિસ્સાને ૧૦૦૦ કરોડની મદદની મોદીની જાહેરાત