સોમવારે સવારે ભેદી સંજોગોમાં રહસ્યમયરીતે ગુમ થયેલા વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયા રાત્રે શાહીબાગની ચંદ્રમણિ હોસ્પિટલમાં નાટયાત્મક રીતે દાખલ થયેલા મળી આવ્યા હતા. દરમ્યાન આજે સવારે ડો.તોગડિયાએ એક પત્રકાર પરિષદ બોલાવી જાહેરમાં સનસનીખેજ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, મારું એન્કાઉન્ટર કરવાનું ખતરનાક ષડંયત્ર હતું. છેલ્લા કેટલાક સમયથી રામમંદિર, ગૌરક્ષા અને હિન્દુત્વની મારી વાતો અને અવાજને દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે અને તેના ભાગરૂપે જ મારા એન્કાઉન્ટરનું ષડયંત્ર હતું. ડો.પ્રવીણ તોગડિયાએ આ સમગ્ર મામલામાં સમયે આવ્યે હું તમામ પુરાવા અને નક્કર હકીકતો રજૂ કરીશ એવો પણ દાવો કર્યો હતો. આજની પત્રકાર પરિષદ દરમ્યાન એક તબક્કે ડો.તોગડિયા ભાવુક બની ગયા હતા અને આંખમાં આંસુ સાથે રડી પડયા હતા. વિહિપના સર્વેસર્વા ડો.પ્રવીણ તોગડિયાના ગઇકાલ સવારથી ગુમ થયા બાદ અમદાવાદ શહેર અને ગુજરાત સહિત દેશભરમાં અનેક અટકળો અને તર્ક વિતર્કો વહેતા થયા હતા. આ તમામ સસ્પેન્સ અને ઇન્તેજારી વચ્ચે ગઇ મોડી રાત્રે ડો.તોગડિયા શાહીબાગની ચંદ્રમણિ હોસ્પિટલમાં દાખલ થયેલાનું સામે આવ્યું હતું. દરમ્યાન આ તમામ અટકળો અને તર્ક-વિતર્કો તેમ અફવાઓના ગરમ બજાર વચ્ચે બીજીબાજુ, ડો.પ્રવીણ તોગડિયાએ જાતે જ પ્રેસ કોન્ફરન્સ બોલાવી મીડિયાકર્મીઓ સમક્ષ ચોંકાવનારા ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી મારા અવાજન દબાવવાનો અને મને ડરાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. હિન્દુઓની એકતા, રામમંદિર બનાવવા, ગૌ હત્યા પર પ્રતિબંધ જેવા મારા પ્રયાસોને દબાવવામાં આવી રહ્યા છે. સેન્ટ્રલ આઇબી પણ નિશાન સાધતા ડો.તોગડિયાએ જણાવ્યું કે, દેશભરમાં દસ હજાર ડોકટરો જે મેં તૈયાર કર્યા છે, તેઓને ડરાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જે અંગે તેમણે કેન્દ્ર સરકારને પણ પત્ર લખ્યો હતો. મારા વિરૂદ્ધમાં દેશભરમાં કાનૂન ભંગના વર્ષો જૂના કેસો ખોલવામાં આવી રહ્યા છે, જેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે તેઓ મુંબઇથી પરત ફર્યા હતા અને રાત્રે ૨-૩૦ વાગ્યે પોલીસને આવવા કહ્યું હતું. ગઇકાલે સવારે તેઓ રૂમમાં પૂજા કરી રહ્યા હતા ત્યારે એક વ્યકિતએ તેમને આવી જણાવ્યું કે, ડોકટર સાહેબ, તાત્કાલિક તમે કાર્યાલય છોડી દો, તમારું એન્કાઉન્ટર કરવા કેટલાક લોકો આવ્યા છે. જો કે, તેમણે તે વ્યકિતને જણાવ્યું કે, હું એન્કાઉન્ટરથી ડરતો નથી. ત્યારબાદ હું વીએચપી કાર્યાલયની બહાર આવ્યો હતો. જયાં બે પોલીસવાળા બેઠા હતા. એ વખતે મારા મોબાઇલ પર ફોન આવ્યો હતો કે, સોલા પોલીસ સ્ટેશનમાં રાજસ્થાન પોલીસનો કાફલો આવ્યો છે અને ગુજરાત પોલીસની મદદ લઇ નીકળી રહ્યો છે. કંઇક દુર્ઘટના થશે તો, દેશભરમાં સમસ્યા ઉભી થશે તેવી દહેશતથી હું માત્ર પૈસાનું પાકીટ લઇ શાલ ઓઢી કાર્યાલયથી પોલીસને હું આવું છું એમ કહી નીકળ્યો હતો. કાર્યાલયની બહારથી હું એક કાર્યકર્તા સાથે રિક્ષામાં થલતેજ જવા નીકળ્યો હતો. રસ્તામાં મેેં રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગૃહરાજય પ્રધાનને ફોન કરી પૃચ્છા કરી હતી કે, મારી ધરપકડ માટે રાજસ્થાન પોલીસ અહીં આવી છે? બંને મહાનુભાવોએ તેમની ધરપકડ માટે રાજસ્થાન પોલીસ આવી નહી હોવાનું જણાવ્યું હતું. વાતચીત કર્યા બાદ મેં લોકેશન ટ્રેસ ના થાય તે માટે મારો મોબાઇલ બંધ કરી દીધો હતો. બાદમાં તેઓ રીક્ષામાં થલતેજ ખાતે તેમના એક મિત્રના ત્યાં ગયા હતા અને રાજસ્થાનના વકીલ સાથે વાત કરી હતી. વકીલે જણાવ્યું કે, જો આ ન્યાયિક પ્રક્રિયા હોય તો તમે કોર્ટ સમક્ષ હાજર થઇ જાઓ. જેથી હું ન્યાયિક પ્રક્રિયા અનુસરવા એકલો જયપુરની ફલાઇટમાં રવાના થવા રીક્ષામાં થલતેજ અંડરબ્રીજથી પસાર થઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં મને અચાનક ધ્રુજારી અને ચક્કર આવતાં મેં બાપુનગર ધન્વંતરિ હોસ્પિટલમાં લઇ જવા રીક્ષાવાળાને સૂચના આપી હતી ત્યારબાદ હું સીધો હોસ્પિટલમાં જ હતો તેવું મને ખબર પડી. ડો.તોગડિયાએ વિહિપના તમામ કાર્યકર્તાઓને શાંતિ જાળવવા અને કાયદો હાથમાં નહી લેવાની અપીલ પણ કરી હતી અને જણાવ્યું હતું કે, ડોકટરની સમંતિ બાદ હું ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરીશ. ગુજરાત પોલીસ પર પણ તેમણે સવાલો ઉઠાવતાં જણાવ્યું કે, હું ગુનેગાર નથી તો, તેઓ શા માટે મારા રૂમનું સર્ચ વોરંટ લઇને આવ્યા હતા. મારી ગુજરાત સરકાર, રાજસ્થાન સરકાર કે પોલીસ સામે કોઇ ફરિયાદ નથી. તેમની પાસે કોઇપણ પ્રકારની ગેરકાયદે સંપત્તિ નહી હોવાનો ખુલાસો પણ તોગડિયાએ કર્યો હતો.